અમેરિકાન નાગરિકતા મેળવાની ફી 75% વધી
હવે N-400 માટે ચૂકવવા પડશે 1330 ડોલર- ભારતીયો પર સીધી અસર
અમેરિકામાં સ્થાયી થઈને નાગરિકતા મેળવવાનું સપનું જોતા ભારતીયો માટે મોટો ફટકો. ટ્રમ્પ વહીવટીતંત્રે US Citizenship Feeમાં ધરખમ 75% વધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. હવે ફોર્મ N-400ની ફી $760થી સીધી $1330 થઈ જશે. ઓછી આવકવાળા પરિવારોને મળતી ફી માફીની સ્કીમ પણ બંધ થવાની છે. આ નિર્ણયથી અમેરિકામાં રહેતા લાખો ગ્રીન કાર્ડ ધારકો, ખાસ કરીને H-1B પ્રોફેશનલ્સ અને નિવૃત્ત ભારતીયોના ખિસ્સા પર સીધી અસર પડશે.
ફીનો નવો સ્લેબ: કાગળ vs ઓનલાઈન
યુએસ હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ DHS અને USCIS દ્વારા જાહેર કરાયેલા મુસદ્દા મુજબ, નાગરિકતા માટેના મુખ્ય ફોર્મ N-400ની ફીમાં મોટો વધારો થશે. હાલમાં જે પેપર એપ્લિકેશનની ફી $760 છે તે વધીને $1330 થશે. જ્યારે ઓનલાઈન અરજી કરનારાઓ માટે $710થી વધારીને $1280 કરવાનો પ્રસ્તાવ છે. એટલે કે સસ્તો વિકલ્પ પસંદ કરો તો પણ ખર્ચ લગભગ બમણો થઈ જશે. જો અરજી રિજેક્ટ થાય અને ફોર્મ N-336 દ્વારા સમીક્ષા માંગો તો ફી $830થી વધીને $1470 થશે, જે 78% વધારો છે.
આ પણ વાંચો: અવકાશમાંથી સીધા ધરતી પર, સ્પેસએક્સને ત્રણ દિવસમાં જ 600 અબજ ડોલરનો ઝટકો
ગરીબ પરિવારોને ઝટકો: ફી માફી રદ
આ પ્રસ્તાવનો સૌથી વિવાદાસ્પદ ભાગ ફી વેઇવર સ્કીમ રદ કરવાનો છે. અત્યાર સુધી જે પરિવારોની વાર્ષિક આવક ફેડરલ ગરીબી રેખાના 400%થી ઓછી હતી તેમને $380માં નાગરિકતા મળી જતી હતી અથવા તો ફી સંપૂર્ણ માફ થતી હતી. નવા નિયમથી આ રાહત સંપૂર્ણ બંધ થઈ જશે. માત્ર અમેરિકી સૈન્યમાં સેવા આપતા લોકોને આ ચાર્જમાંથી મુક્તિ મળશે. સરકારનો તર્ક છે કે ઈમિગ્રેશન સિસ્ટમને આત્મનિર્ભર બનાવવા અરજદારે વહીવટી ખર્ચની વાસ્તવિક કિંમત ચૂકવવી પડશે.
ભારતીયો પર સીધી અસર
અમેરિકામાં ગ્રીન કાર્ડ ધારકોમાં સૌથી મોટો સમૂહ ભારતીયોનો છે. H-1B વિઝા પર ગયેલા IT પ્રોફેશનલ્સ, મિડલ ક્લાસ ફેમિલી અને ત્યાં સેટલ થયેલા સિનિયર સિટિઝન્સ માટે આ વધારો ભારે પડશે. એક પરિવારમાં 2-3 લોકો નાગરિકતા લેવા માંગતા હોય તો ખર્ચ $4000ને પાર પહોંચી જશે. જે લોકો વર્ષોથી નાગરિકતા માટે પૈસા બચાવી રહ્યા હતા તેમના બજેટ ખોરવાઈ જશે.
હજુ તક છે: 60 દિવસનો સમય
હાલમાં આ કાયદો તરત લાગુ થયો નથી. યુએસ ઓથોરિટીએ સામાન્ય લોકો અને સામાજિક સંગઠનો પાસેથી સૂચનો-વાંધા માટે 60 દિવસનો પબ્લિક કમેન્ટ પિરિયડ આપ્યો છે. આ સમય પૂરો થયા બાદ જ અંતિમ નિર્ણય આવશે. ત્યાં સુધી જૂની ફી $710/$760 જ યથાવત રહેશે. એટલે જે લોકો નાગરિકતા માટે વિચારી રહ્યા છે તેમની પાસે હજુ જૂની ફીમાં અરજી કરવાની તક છે.
ટૂંકમાં, “અમેરિકન ડ્રીમ”ની કિંમત હવે વધુ મોંઘી થવાની છે. જો તમે ગ્રીન કાર્ડ ધારક છો અને નાગરિકતા લેવાનો પ્લાન છે, તો આ 60 દિવસની વિન્ડો તમારા માટે મહત્વની બની શકે છે.
