ભારતમાં નથી રસ્તા સલામત કે નથી ફૂટપાથ સલામત
પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોના મોતનો ચોંકાવનારો ખુલાસો
ભારતમાં માર્ગ અકસ્માત એટલી હદે વધી ગયા છે કે રસ્તા ઉપર કે ફૂટપાથ ઉપર ક્યારે મોત ટપકી પડશે તેની કોઈ કલ્પના જ થઇ શકતી નથી. બેફામ દોડતા વાહનો માત્ર જે તે વાહનોને જ અડફેટે નથી લેતા, રસ્તાની સાઈડમાં ચાલતા કે ફૂટપાથ પર ચાલતા લોકોનો પણ ભોગ લઈ રહ્યા છે.
છેલ્લા પાંચ વર્ષમાં રસ્તે ચાલનારાઓને અકસ્માત નડ્યો હોય એવા કેસમાં કુલ ૧.૮૦ લાખ લોકોના અકાળે મોત નીપજ્યા છે. આ ગંભીર સ્થિતિની સુપ્રીમ કોર્ટે પણ નોંધ લીધી છે અને રસ્તે ચાલવાના અધિકારને પ્રાથમિકતા આપી છે.
સરકારી આંકડા મુજબ, વર્ષ 2019 થી 2024 વચ્ચે રોડ અકસ્માતોમાં 1.8 લાખથી વધુ પદયાત્રીઓએ જીવ ગુમાવ્યા છે.દેશમાં દર વર્ષે સરેરાશ 30,500 થી વધુ લોકો રસ્તા પર ચાલતા અકસ્માતનો શિકાર થઈ જાય છે. આ માત્ર પાંચ વર્ષનો આંકડો છે. એક સર્વેમાંથી આ વિગત સામે આવી છે. દેશમાં માણસના થતા કુલ મોતમાં 31 ટકા મોત અકસ્માતને કારણે થાય છે. એ પણ નેશનલ હાઈવે જ્યારે અકસ્માત થાય છે ત્યારે એની ગંભીરતા ઔર વધી જાય છે. આ ટકાવારી એ જ ધોરીમાર્ગની ગણવામાં આવી છે.
આ પણ વાંચો: શિવકુમારના નારા લગાવતા કાર્યકરોને મલ્લિકાર્જુન ખડગેએ ‘નકામાં’ કહ્યા
રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયના 2024ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, પગપાળા ચાલતા લોકોના 54% મોત કાર અને ટુ-વ્હીલરની ટક્કરને કારણે થાય છે. આ માત્ર મોતનો આંકડો છે ઈજાગ્રસ્તની સંખ્યાને ઉમેરી દેવામાં આવે તો આંકડો લાખમાં થાય અને એ પણ ખૂબ મોટો થઈ જાય. રોડ સેફ્ટી એક્સપર્ટ્સના મતે, રોડ ક્રોસ કરવા માટેની સારી વ્યવસ્થા ન હોવાને કારણે અને ભારતમાં યોગ્ય ફૂટપાથની જગ્યા મર્યાદિત હોવાને કારણે સૌથી વધારે અકસ્માતનો ભય રહે છે.
વર્ષ 2024ના અહેવાલ પ્રમાણે, રસ્તા પર કે ફૂટપાથ પર ચાલતા લોકોના મોતની બાબતમાં તમિલનાડુ સૌથી આગળ છે, જ્યાં 4,712 લોકોનાં મોત થયા છે. બીજા ક્રમે બિહાર (4,149 મોત), પછી મહારાષ્ટ્ર (3,344 મોત) અને ચોથા ક્રમે પશ્ચિમ બંગાળ (3,241 મોત)નો ક્રમ આવે છે.
શહેરો કરતાં હાઈવે પર વધુ જોખમ હોવાનું આ સર્વેમાંથી જાણવા મળે છે. મોટાભાગના અકસ્માતો શહેરોની બહાર, હાઈવે અથવા ગ્રામ્ય વિસ્તારોના રોડ પર થાય છે. જેની જુદા જુદા રાજ્યોમાંથી ટકાવારી 53 મોટા શહેરોમાંથી માત્ર 11.8% છે. જ્યારે હાઈવે પર આ ટકાવારી 30 ટકાને પણ પાર થઈ જાય છે. સરકારને હવે હાઈવે પર ચાલનારા લોકો માટે ખાસ ચેતવણી બોર્ડ લગાવવાની પણ સલાહ આપવામાં આવી છે.
