દેશમાં 5000થી વધુ કેન્દ્રો પર 22.79 લાખ વિદ્યાર્થીઓએ આપી રી-નીટ
હવે સમગ્ર પ્રક્રિયાની ફોરેન્સીક સમીક્ષા થશે: સીસીટીવી અને હજારો જવાનોની મદદથી કસોટી પુરી
નેશનલ ટેસ્ટીંગ એજન્સી (એનટીએ) દ્વારા રવિવારે નીટ-યુજી રી-એક્ઝામની કસોટી શાંતિપૂર્વક અને સફળતાપૂર્વક પાર કરવામાં અવી હતી. દેશના 564 શહેરોમાં 5000થી વધુ પરીક્ષા કેન્દ્રો ઉપર સખત સલામતીના જાપ્તા વચ્ચે પુન:પરીક્ષા સંપન્ન થઇ હતી. એનટીએની સાથે સરકાર અને વિદ્યાર્થીઓએ પણ હાશકારો અનુભવ્યો હતો. બપોરે 2 વાગ્યાથી 5.15 સુધી પરીક્ષાની કાર્યવાહી ચાલી હતી.
દેશના 5000થી વધુ પરીક્ષા કેન્દ્રો ઉપર 22.79 લાખ વિદ્યાર્થીઓએ આ રી-એક્ઝામમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું. ગત 3જી મે ના રોજ પેપર લીક થવાના પગલે પરીક્ષા રદ્ કરી દેવાની ફરજ પડી હતી અને ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો હતો અને તે મુજબ રી-એક્ઝામ માટે કેટલાક સખત નિયમ પણ બનાવવામાં આવ્યા હતાં. દેશભરમાં 2 લાખથી વધુ સુરક્ષા જવાનો અને પરીક્ષા કર્મચારીઓ ખડેપગે રહ્યા હતાં.
આ પણ વાંચો: રેકોર્ડ`વીર’ વૈભવે 11 બોલમાં ફટકારી ફિફટી
એનટીએ દ્વારા નીટ-યુજી રી-એક્ઝામ અંગ્રજી સહિત 12 ભારતીય ભાષાઓમાં સંપન્ન કરવામાં આવી હતી. દરમિયાનમાં એનટીએના સુત્રોએ એવી માહિતી પણ આપી હતી કે, પરીક્ષાને વધુ સુરક્ષિત બનાવવા માટે એક્ઝામ સેન્ટર પર ફોરેન્સીક સમીક્ષા પણ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં એનટીએ સીસીટીવી ફુટેજની ફોરેન્સીક સમીક્ષા પણ કરશે.
દિલ્હી, મુંબઇ, બેંગ્લુરૂ સહિતના શહેરોમાં અનેક વિદ્યાર્થીઓને એન્ટ્રી ન મળી
નીટ યુજી રી-એક્ઝામ માટે લાખો વિદ્યાર્થીઓએ તૈયારી કરી હતી અને નસીબ અજમાવા માટે મહેનત કરી હતી પરંતુ રી-ટેસ્ટમાં પણ સેંકડો વિદ્યાર્થીઓ ભારે કમનસીબ રહ્યા અને પરીક્ષા કેન્દ્ર પર મોડા પહોંચવા બદલ તેમને પરીક્ષામાં બેસવાની મંજુરી અપાઇ ન હતી. અને કેટલાક વિદ્યાર્થીઓ રડવા લાગ્યા હતાં. ટ્રાફિક જામ સહિતની સમસ્યા વચ્ચે તેઓ 2 થી 5 મિનિટ મોડા પહોંચ્યા હતાં માટે એમને એન્ટ્રી અપાઇ ન હતી. દિલ્હી, મુંબઇ, બેંગલુરૂ જેવા શહેરોમાં આવી ઘટનાઓ ઘટી હતી.
અજમેરમાં પરીક્ષા પહેલા રૂા.30 હજારમાં પેપર વેચવાનો દાવો
અજાણી વ્યક્તિએ વિડિયો કોલ પર એક વિદ્યાર્થીનીને પેપર બતાવીને રૂા. 30 હજારની માંગણી કરી: પોલીસે શરૂ કરી તપાસ
નીટ-યુજી રી-એક્ઝામ પહેલાં રાજસ્થાના અજમેરમાં પેપર વેચવાનો પ્રયાસ થયાનો મામલો પણ સામે આવ્યો હતો. એક અજાણી વ્યક્તિએ એક વિદ્યાર્થીનીને ફોન પર પેપર ઉપલબ્ધ કરાવવાનો દાવો કર્યો અને વિડિયો કોલ પર પેપર દેખાડીને રૂા.30,000ની માંગણી કરી હતી.
ડીએવી કોલેજના સ્ટુડન્ટ યુનિયનના પ્રમુખ કૃષ્ણસિંહ ઠાકુરે આ બારામાં પોલીસમાં ફરિયાદ કરી અને અને પોલીસે મોબાઇલ નંબર, ક્યુઆર કોડ અને વિડિયો કોલની તપાસ શરૂ કરી દીધી હતી. આ બાબતે અજમેરમાં ભારે ચર્ચા રહી હતી. કોલરે કહ્યું હતું કે, પરીક્ષા પહેલા હું પેપર ઉપલબ્ધ કરાવી શકું છું. તેને ક્યુઆર કોડ પણ વિદ્યાર્થીનીને મોકલ્યો હતો. જો કે પોલીસે સાઇબર ઠગાઇના એંગલથી પણ તપાસ શરૂ કરી છે.
