અમેરિકામાં ભારતીય પરિવારમાં ખૂની ખેલ, 3 ના મોત
પુત્રએ જ માતા-પિતા અને દાદીની ગોળી મારી કરી હત્યા, આરોપીનૉ ભાઈ બચી ગયો; પોલીસને સમયસર જાણ કરતા પુત્ર પકડાયો; પરિવાર મૂળ પંજાબનો છે
અમેરિકાના ટેક્સાસ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને કાળજું કંપાવી દેતો કિસ્સો સામે આવ્યો હતો. અહીં રહેતા એક ભારતીય મૂળના પરિવારના ત્રણ સભ્યોની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારના જ 19 વર્ષના સગા દીકરાએ પોતાના માતા, પિતા અને દાદીના માથામાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પકડાયેલા આરોપી યુવકનું કનેક્શન પંજાબના નવાંશહરના લખપુર ગામ સાથે હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ અમેરિકન પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
ટેક્સાસ રાજ્યના અલ્ટન શહેરમાં એક જ પરિવારના ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરવાના આરોપમાં ગૌરવ ચોપરા નામના 19 વર્ષના યુવકની ધરપકડ કરાઈ છે. હિડાલ્ગો કાઉન્ટી શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ 56 વર્ષીય સ્વીતા રામ, 46 વર્ષીય કમલેશ રાની અને 73 વર્ષીય મિંદર કૌર તરીકે થઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેય સભ્યોના મોત માથામાં ગોળી વાગવાના કારણે થયા હતા.
આ પણ વાંચો: રાજકોટ રેલવે સ્ટેશન પર રેપિડો કાઉન્ટરનો પ્રારંભ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ગૌરવ ચોપરાએ પોતાના જ માતા-પિતા અને દાદી પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ લોહિયાળ ખેલ દરમિયાન તેણે પોતાના સગા ભાઈ પર પણ ગોળી ચલાવી હતી, પરંતુ સદનસીબે તેનો ભાઈ આબાદ બચી ગયો હતો. આ ભયાનક ઘટના બાદ ભાઈએ તાત્કાલિક અમેરિકન ઈમરજન્સી નંબર 911 પર કોલ કરીને પોલીસને આ અંગે જાણ કરી હતી.
આરોપી ગૌરવે પોલીસને દોડાવી,પીછો કરતી વખતે અકસ્માત થયો
ઘટના બાદ આરોપી ગૌરવ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે પીછો કરીને તેને દબોચી લીધો હતો. પીછા દરમિયાન એક માર્ગ અકસ્માત પણ સર્જાયો હતો જેમાં અન્ય બે લોકો ઘાયલ થયા હતા. અકસ્માત સ્થળેથી પોલીસે એક હેન્ડગન (પિસ્તોલ) પણ રિકવર કરી હતી. આ ઘટના શા માટે બની છે તે અંગે હજુ કશી વિગતો બહાર આવી નથી અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવાઈ હતી. આ ઘટનાથી ભારતીય પરિવારોમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો.
