સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે મોટો કડાકો
ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે વાયદા બજારમાં ભારે ઉથલપાથલ મચી ગઈ. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ MCX પર સોના અને ચાંદીના ભાવમાં એક જ દિવસમાં નોંધપાત્ર કડાકો નોંધાતા રોકાણકારો અને વેપારીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ચાંદીના વાયદા ભાવમાં બજાર ખુલતાની સાથે જ વેચવાલીનું દબાણ વધ્યું અને દિવસભર ભાવ સત નીચે સરકતા રહ્યા. અગાઉના બંધ ભાવની સરખામણીએ ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ ₹7,000થી વધુનો ઘટાડો થતાં તેનો ભાવ ₹2 લાખ 30 હજાર 879 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો. તેવી જ રીતે સોનાના બજારમાં પણ રોકાણકારો માટે આજનો દિવસ પડકારજનક રહ્યો. પ્રતિ 10 ગ્રામ સોનામાં ₹2,600થી વધુનો મોટો ઘટાડો નોંધાતા સોનાનો ભાવ તોલે ₹1 લાખ 47 હજાર 175 પર આવી ગયો. કિંમતી ધાતુઓમાં નફાવસૂલી અને વેચવાલી બંનેનું દબાણ સ્પષ્ટ જોવા મળ્યું. બજાર વિશ્લેષકોના મતે આ મોટા ઘટાડા પાછળ વૈશ્વિક પરિબળો જવાબદાર છે. ખાસ કરીને અમેરિકાના ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિ અને વ્યાજદરને લઈને લેવાયેલા નિર્ણયો પછી વૈશ્વિક રોકાણકારોનું વલણ બદલાયું છે. આ ઉપરાંત આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા ઘટાડાની પણ સીધી અસર પડી છે. સામાન્ય રીતે ક્રૂડ સસ્તું થતાં ફુગાવાનું દબાણ ઘટે છે, જેના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે ગણાતા સોના-ચાંદી તરફ ઓછું આકર્ષાય છે. પરિણામે કિંમતી ધાતુઓમાંથી નાણાં બહાર કાઢવાની પ્રક્રિયા તેજ બનતા આજે MCX પર સોના-ચાંદીમાં મોટી નરમાઈ જોવા મળી અને રોકાણકારોએ સાવચેતીપૂર્વકની રણનીતિ અપનાવવી પડી.
