ટેલીગ્રામ નવું ડાર્ક વેબ, આતંકવાદ અને ગુનાખોરીની ગંગોત્રી: કેન્દ્રની એફિડેવિટ
દિલ્હી હાઇકોર્ટમાં સરકારે કર્યા ગંભીર ખુલાસા
સાયબર ફ્રોડથી લઈને બાળકોના જાતીય શોષણ સુધીના ગુનાઓમાં ટેલીગ્રામ ચેનલનો ભરપૂર ઉપયોગ
નવી દિલ્હી : મેસેજિંગ એપ ટેલીગ્રામ હવે ગુનેગારો, સાયબર ઠગો અને આતંકવાદી તત્વો માટે ‘નવું ડાર્ક વેબ’ બની ગઈ હોવાનું કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે. સરકારના જણાવ્યા મુજબ ટેલીગ્રામની ગોપનીયતા અને અનામી ઓળખની સુવિધાઓના કારણે આ પ્લેટફોર્મનો ઉપયોગ આતંકવાદી પ્રચાર, સાયબર ફ્રોડ, ડ્રગ્સની હેરાફેરી, પરીક્ષાના પેપર લીક, નાણાકીય ગુનાઓ તેમજ બાળકોના જાતીય શોષણ સંબંધિત સામગ્રીના પ્રસાર માટે મોટા પાયે થઈ રહ્યો છે.
નીટ ની પુન: પરીક્ષા સુધી પ્રતિબંધ લાદવાના સરકારના પગલાંને પડકારતી અરજી પરની સુનાવણી દરમિયાન કેન્દ્રે કોર્ટને જણાવ્યું કે ટેલીગ્રામ પર ચેનલ અને ગ્રુપ મારફતે ડીપ વેબ અને ડાર્ક વેબ સાથે જોડતી લિંક્સ શેર કરવામાં આવે છે, જેના કારણે ગુનેગારો સુધી પહોંચવું અને તેમની ઓળખ કરવી તપાસ એજન્સીઓ માટે અત્યંત મુશ્કેલ બની જાય છે. વપરાશકર્તાઓ ફોન નંબર અને ટેલીગ્રામ આઈડી જેવી ઓળખ છુપાવી શકે છે, જેના કારણે કાયદા અમલવારી એજન્સીઓને વાસ્તવિક વ્યક્તિ સુધી પહોંચવામાં અડચણ પડે છે.
આ પણ વાંચો: રાજકોટના ટ્રાફિકની ચિંતા કરનારા બુદ્ધિજીવીઓને શત શત નમન!
એફિડેવિટમાં વધુમાં જણાવાયું છે કે આતંકવાદી સંગઠનો અને કટ્ટરપંથી જૂથો ટેલીગ્રામ ચેનલોનો ઉપયોગ ઉશ્કેરણીજનક સામગ્રી, હિંસક વિચારો અને ગેરમાહિતી ફેલાવવા માટે કરે છે. જાહેર વ્યવસ્થાને અસ્થિર કરવા અને યુવાનોને પ્રભાવિત કરવા માટે પણ આ માધ્યમનો ઉપયોગ થતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સરકારે ખાસ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે બાળકોના જાતીય શોષણ સંબંધિત સામગ્રી (CSEAM)ના પ્રસાર માટે પણ ટેલીગ્રામનો ઉપયોગ થઈ રહ્યો છે. ઉપરાંત, નકલી ઓળખના આધારે બનાવાયેલા એકાઉન્ટ મારફતે નાણાકીય ઠગાઈ, ડેટા લીક, મની લોન્ડરિંગ અને અન્ય સાયબર ગુનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે.
કેન્દ્રે વધુમાં જણાવ્યું કે ટેલીગ્રામ પર પાયરેટેડ ફિલ્મો, વેબ સિરીઝ અને કૉપિરાઇટેડ સામગ્રીનું પણ મોટા પાયે વિતરણ થાય છે, જેના કારણે કન્ટેન્ટ સર્જકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે.
સિક્યોરિટી સિસ્ટમ પણ લાચાર…
કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ ટેલીગ્રામ પર ચાલતી કેટલીક ચેનલો અને બોટ્સ સુરક્ષા વ્યવસ્થાને પણ પડકાર આપી રહી છે. હેકર જૂથો મેલવેર, ડેટા ચોરીના ટૂલ્સ અને સાયબર હુમલાઓ માટે જરૂરી સોફ્ટવેરનું વિતરણ ટેલીગ્રામ મારફતે કરે છે. કેટલીક ચેનલો એવી એપ્લિકેશનોનું પ્રચાર કરતી હોવાનું પણ સામે આવ્યું છે, જે સુરક્ષા સિસ્ટમ અને Google Play Protect જેવી વ્યવસ્થાઓને ચકમો આપી શકે છે. એટલું જ નહીં, અગાઉ લીક થયેલા ડેટાબેઝમાંથી મોબાઇલ નંબર, આધાર જેવી વ્યક્તિગત માહિતી મેળવવામાં મદદરૂપ બનતા બોટ્સ પણ સક્રિય હોવાનું સરકારે જણાવ્યું છે. પરિણામે પરંપરાગત સિક્યોરિટી મિકેનિઝમ અને તપાસ એજન્સીઓ માટે આવા ગુનાઓને રોકવા તથા ગુનેગારો સુધી પહોંચવું વધુ મુશ્કેલ બન્યું છે.
