ભારતે હૉકીમાં વિશ્વ ચેમ્પિયન જર્મનીને હરાવ્યું
૪૧૩મી મેચ રમીને મનપ્રિતસિંહે તોડ્યો દિલીપ તિર્કીનો રેકોર્ડ
ભારતીય પુરુષ હૉકી ટીમે ૨૦૨૫-૨૬ પુરુષ એફઆઈએચ પ્રો-હૉકી લીગમાં જીત મેળવી હતી. તેણે નેધરલેન્ડના રૉટરડૈમમાં હજેલારવેગ સ્ટેડિયમ પર રમાયેલી ટૂર્નામેન્ટમાં પોતાની ૧૦મી મેચમાં વર્લ્ડ ચેમ્પિયન જર્મનીને ૩-૧થી હરાવ્યું હતું. આ મેચ ભારતીય હૉકી ટીમના પૂર્વ કેપ્ટન અને સીનિયર ખેલાડી મનપ્રિતસિંહ માટે અત્યંત યાદગાર રહ્યો જે ભારતના હૉકી ઈતિહાસમાં સૌથી વધુ મેચ રમનારો ખેલાડી પણ બન્યો હતો.
આ પણ વાંચો: ૧૦ માર્ચથી IPL-૨૦૨૭: ૧૫મેએ ફાઈનલ: આ વખતે પણ ૭૪ મેચ જ રમાશે
મનપ્રિતે ભારત માટે ૪૧૩મી મેચ રમીને ભારતીય હૉકીના પૂર્વ દિગ્ગજ ખેલાડી દિલીપ તિર્કી (૪૧૨ મેચ)નો રેકોર્ડ તોડ્યો હતો. ૩૩ વર્ષીય મનપ્રિતે ભારત માટે વર્ષ-૨૦૧૧માં ડેબ્યુ કર્યું હતું અને લાંબા સમયથી ટીમની કમાન પણ સંભાળી હતી.
ભારત-જર્મની વચ્ચે રમાયેલી મેચની વાત કરવામાં આવે તો ત્રીજા ક્વાર્ટરમાં મંદીપસિંહે ગોલ કર્યો અને ભારતે જર્મની ઉપર ૩-૦ની લીડ મેળવી હતી. આ પહેલાં ભારત માટે શિલાનંદ લાકડા (૧૩મી મિનિટ) અને નિલાકાંત શર્મા (૩૫મી મિનિટ)એ ગોલ કર્યો જ્યારે જર્મની વતી રાફેલ હાર્ટકોફે ૪૫મી મિનિટમાં એક ગોલ કર્યો હતો. આ ટૂર્નામેન્ટમાં ભારત હજુ પણ નવમા ક્રમે છે.
