ક્રૂડ ઓઈલના ભાવ ગગડયા: 16% કડાકા બાદ WTI $77 નીચે, ભારતને પેટ્રોલ-ડીઝલમાં રાહતની આશા
અમેરિકા અને ઈરાન વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી ખોલવા માટે થનારા સંભવિત વચગાળાના કરારના પગલે આંતરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ બજારમાં મોટો કડાકો નોંધાયો છે. પાછલા ચાર ટ્રેડિંગ સેશનમાં જ ભાવ 16% ઘટ્યા છે, જે આ વર્ષનો સૌથી લાંબો ઘટાડો છે. તેની અસરે WTI ક્રૂડ $77 પ્રતિ બેરલ નીચે અને બ્રેન્ટ ક્રૂડ $79 નીચે સરકી ગયું છે. નિષ્ણાતો માને છે કે ઈરાન પરના પ્રતિબંધો હટશે તો વૈશ્વિક સપ્લાયમાં વધારો થશે અને વિશ્વના 20% દરિયાઈ તેલ વેપારનો મુખ્ય માર્ગ હોર્મુઝ ખુલતા દબાણ હળવું થશે. ભારત પોતાની 85% તેલની જરૂરિયાત આયાત કરે છે એટલે ક્રૂડ સસ્તું થવાથી HPCL, BPCL, IOCL પરનો બોજ ઘટશે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની શક્યતા વધશે, સરકારનું ઈમ્પોર્ટ બિલ કરોડોમાં ઘટશે અને રૂપિયાને મજબૂતી મળશે. જોકે, અમેરિકાના તેલ ભંડારમાં 83 લાખ બેરલનો ઘટાડો અને શરૂઆતમાં સુરક્ષા તપાસને કારણે જહાજોની ગતિ ધીમી રહેવાના પડકારો હજુ યથાવત છે.
