અફઘાન સામે વન-ડે શ્રેણી રમવા રોહિત-હાર્દિક ફિટ
હાર્દિકે ૧૦ ઓવર બોલિંગ પણ ફેંકી: ૧૩ જૂનથી શરૂ થશે શ્રેણી
ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બેટર રોહિત શર્માને ભારતીય ક્રિકેટ બોર્ડના સેન્ટર ઑફ એક્સીલેન્સ દ્વારા અફઘાનિસ્તાન વિરુદ્ધ ૧૩ જૂનથી શરૂ થનારી ત્રણ મેચની વન-ડે શ્રેણી રમવા માટે મંજૂરી આપી દીધી છે. પંડ્યા અને રોહિત બન્ને ઈજાને કારણે મુંબઈ ઈન્ડિયન્સ વતી આઈપીએલની અનેક મેચ રમી શક્યા ન્હોતા. હાર્દિકને પીઠમાં તો રોહિતને પગમાં ઈજા થઈ હતી.
આ પણ વાંચો: લગ્ન પહેલાંના સંમતિથી થયેલા શારીરિક સબંધ પરથી ચારિત્ર્ય નક્કી ન કરી શકાય
હાર્દિકે સીઓઈમં ૧૦ ઓવર બોલિંગ પણ કરી હતી અને તેમાં તેને કોઈ પરેશાની થઈ ન્હોતી. રોહિત પણ પગની માંસપેશીઓ ખેંચાઈ જતાં તપાસ માટે સીઓઈમાં હતો અને તપાસ બાદ તેને પણ રમવાની મંજૂરી આપી દેવાઈ છે. હાર્દિક ભારતની મર્યાદિત ઓવરની ટીમનો એક મહત્ત્વનો ખેલાડી છે કેમ કે તે પોતાની ફાસ્ટ બોલિંગ અને ડેથ ઓવરમાં આક્રમક બેટિંગથી ટીમને સંતુલન આપે છે.
આ શ્રેણીમાં વિરાટ કોહલી રમવાનો નથી કેમ કે રોહિતની જેમ તેના પગની માંસપેશીઓ પણ ખેંચાઈ ગઈ છે. ટેસ્ટ અને ટી-૨૦માંથી નિવૃત્ત થયા બાદ માત્ર વન-ડે ફોર્મેટમાં રમનારા કોહલીને આઈપીએલ ફાઈનલ દરમિયાન ઈજા પહોંચી હતી. કોહલીની જગ્યાએ વન-ડે શ્રેણી માટે ટીમમાં યશસ્વી જયસ્વાલને સામેલ કરવામાં આવ્યો છે.
