મોંઘવારી કાળઝાળ, રસોઈ બનાવવાનું મોંઘુ થયું
બે મહિનામાં કુલ રૂા.૮૯નો ડામ: બીજા દેશો કરતાં ભાવ ઓછા હોવાનો સરકારનો બચાવ
સામાન્ય જનતાને વધુ એક મોંઘવારીનો ઝટકો આપતાં કેન્દ્ર સરકારે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં રવિવારથી પ્રતિ સિલિન્ડર ૨૯ રૂપિયાનો વધારો કર્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં ઘરેલું ગેસના ભાવમાં આ બીજી વખત વધારો થયો છે. અગાઉ ૭ માર્ચે ૬૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આમ, બે મહિનાના ગાળામાં જ ગેસ સિલિન્ડર ૮૯ રૂપિયા મોંઘું બનતાં ગૃહિણીઓના રસોડાનું બજેટ વધુ ખોરવાયું છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારમાં ભાવવધારો જોવા મળી રહ્યો છે, જેના પ્રભાવ હેઠળ આ નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવે છે. સરકારના જણાવ્યા મુજબ ૧૪.૨ કિલોના એક ઘરેલું ગેસ સિલિન્ડરની વાસ્તવિક સપ્લાય કિમત હાલમાં આશરે ૧,૬૦૦થી ૧,૭૦૦ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
આ પણ વાંચો: દિલ્હી-સિલિગુડી વચ્ચે દોડશે દેશની બીજી બુલેટ ટ્રેન દેશની બીજી બુલેટ ટ્રેન
તેમ છતાં ગ્રાહકો પર સંપૂર્ણ બોજો નાંખવાને બદલે સરકારી તેલ કંપનીઓ નુકસાન સહન કરી રહી હોવાનું સરકારનું કહેવું છે. પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સહિત ભારતીય ગ્રાહકોને હજુ પણ પડોશી દેશો તેમજ અમેરિકા, ઓસ્ટે્રલિયા અને કેનેડા જેવા વિકસિત દેશોની સરખામણીએ સસ્તો રસોઈ ગેસ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. સરકારે વધુમાં દાવો કર્યો છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જા બજારમાં ભારે અસ્થિરતા હોવા છતાં દેશમાં ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની કોઈ અછત સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે, જ્યારે સીએનજીના દરોમાં પણ વધારો નોંધાયો છે. ઘરેલું ગેસના નવા ભાવવધારાથી મોંઘવારીનો વધુ એક માર સામાન્ય પરિવારોને સહન કરવો પડશે.
મુખ્ય શહેરોમાં નવો ભાવ
દિલ્હી: ૯૪૨
મુંબઈ: ૯૪૧.૪૦
કોલકાતા: ૯૬૮
ચેન્નઈ: ૯૫૭.૫૦
