અમેરિકાએ ફરીવાર શું લીધું ભારત વિરોધી પગલું ?
મોઢે મીઠાશ અને પીઠ પાછળ ઘા; અમેરિકાનું ભારત વિરોધી વલણ
H-1B વિઝા પરથી ગ્રીન કાર્ડ મેળવવાની સુવિધા બંધ કરશે; બિલ સંસદમાં મુકાયું; મોટા ભાગે ભારતીય આઇટી વ્યવસાયિકોને થશે અસર
અમેરિકામાં ભારત પ્રતિ હજુ પણ નકારાત્મક નીતિ દેખાઈ રહી છે. એક બાજુ ટ્રમ્પ મોદીને સારા મિત્ર કહે છે અને બીજી આજુ ભારત વિરોધી પગલાં ચાલુ જ રાખ્યા છે. ભારતીય આઇટી વ્યવસાયિકો અને ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લાખો લોકો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટેક્સાસના રિપબ્લિકન સાંસદ ચિપ રોય દ્વારા અમેરિકન સંસદના નીચલા ગૃહ(હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ)માં ‘અમેરિકન વ્હાઇટ-કોલર વર્કર જોબ્સ ઍક્ટ ઑફ 2026’ નામનું બિલ રજૂ કરાયું છે.
આ બિલનો મુખ્ય હેતુ H-1B વિઝા પ્રોગ્રામમાં મોટા ફેરફારો કરીને અમેરિકાના સ્થાનિક કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવાનો છે, પરંતુ જો આ બિલ કાયદો બનશે તો H-1B વિઝા પરથી ગ્રીન કાર્ડ મેળવવાનો જે પરંપરાગત રસ્તો છે તે લગભગ અશક્ય બની જશે.
આ પણ વાંચો: હવામાં ઉડતું ‘ક્લાઉડ’ અને જમીન પરના ‘સર્વર ફાર્મ્સ’
બિલની સૌથી વિવાદાસ્પદ જોગવાઈ એ છે કે, તે હેઠળ H-1B વિઝા માટે અરજી કરનારા વિદેશી નાગરિકોએ પોતાના વતનમાં કાયમી રહેઠાણ જાળવી રાખવું પડશે અને તેને છોડવાનો તેમનો કોઈ ઇરાદો નથી તેવું સાબિત કરવું પડશે. ઇમિગ્રેશન નિષ્ણાતોના મતે, આ નવી શરત વર્ષોથી ચાલી આવતી ‘ડ્યુઅલ ઇન્ટેન્ટ'(બેવડા હેતુ)ની વ્યવસ્થાનો અંત લાવશે, જે અત્યાર સુધી H-1B વિઝા ધારકોને અમેરિકામાં કામ કરવાની સાથે-સાથે ત્યાં કાયમી નાગરિકત્વ એટલે કે ગ્રીન કાર્ડ માટે અરજી કરવાની મંજૂરી આપતી હતી. આ જોગવાઈ નાબૂદ થવાથી અમેરિકામાં સ્થાયી થવાનું સપનું જોતા ભારતીયોને મોટો ફટકો પડી શકે છે.
અમેરિકાના H-1B વિઝા કાર્યક્રમનો સૌથી વધુ લાભ હંમેશાં ભારતીય આઇટી પ્રોફેશનલ્સને મળતો આવ્યો છે. અમેરિકન નાગરિકતા અને ઇમિગ્રેશન સેવાના તાજેતરના આંકડા દર્શાવે છે કે, નાણાકીય વર્ષ 2024માં મંજૂર થયેલા અંદાજે 4 લાખ નવા H-1B વિઝામાંથી 2.83 લાખ એટલે કે આશરે 71% વિઝા માત્ર ભારતીય નાગરિકોને મળ્યા હતા.
આ ઉપરાંત, હાલમાં 12.6 લાખથી વધુ ભારતીયો પરિવારના આશ્રિત સભ્યો સહિત રોજગાર આધારિત ગ્રીન કાર્ડ મેળવવાની લાંબી કતારમાં રાહ જોઈ રહ્યા છે. તેથી જો આ બિલ કાયદો બનશે તો લાખો ભારતીયોના ‘અમેરિકન ડ્રીમ’ને મોટો ઝટકો લાગી શકે છે.
