મોરબીના હળવદમાં ડમ્પર પાછળ કાર ઘૂસી એક જ પરિવારના 5 લોકોના કમકમાટીભર્યા મોત
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક એક કાળજું કંપાવી દેનારી માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 5 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. બાઈક અકસ્માતમાં ઘવાયેલી વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ રહેલી કાર અચાનક આગળ જતાં ડમ્પરના પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. કારમાં સવાર 7 લોકોમાંથી 5ના મોત થયા છે, જ્યારે અન્ય 2 ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે મોરબી ખસેડાયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે 2 જેસીબી (JCB) મશીનની મદદ લેવી પડી હતી. આ કરૂણાંતિકાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
