તબીબી જગતમાં ક્રાંતિ: વિશ્વમાં પ્રથમ વખત AI ની મદદથી બની વેક્સિન
ભવિષ્યની મહામારીઓ સામે આપશે અલ્ટીમેટ કવચ
વૈશ્વિક હેલ્થ સેક્ટરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ઉપયોગથી એક બહુ મોટી અને અભૂતપૂર્વ સફળતા મળી છે. બ્રિટનની પ્રતિષ્ઠિત ‘યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ’ના વૈજ્ઞાનિકોએ AI ની મદદથી તદ્દન નવા પ્રકારની વેક્સિન વિકસાવવામાં સફળતા મેળવી છે. આ રસી માત્ર વર્તમાન કોરોના વાયરસ જ નહીં, પરંતુ ભવિષ્યમાં ત્રાટકી શકે તેવી કોઈપણ નવી મહામારી કે વાયરસ સામે અગાઉથી જ સુરક્ષા આપવા સક્ષમ છે. મેડિકલ ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે કોઈ વેક્સિનનો મુખ્ય ભાગ સંપૂર્ણપણે AI દ્વારા ડિઝાઈન કરાયો હોય અને તેનું માનવ પરીક્ષણ પણ શરૂ થઈ ચૂક્યું હોય.
વાયરસ સ્વરૂપ બદલશે તો પણ વેક્સિન રહેશે અસરકારક
સામાન્ય રીતે માર્કેટમાં ઉપલબ્ધ રસીઓ કોઈ એક ચોક્કસ વાયરસના વેરિએન્ટને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. પરંતુ, વાયરસ સમય જતાં મ્યુટેટ થઈને (સ્વરૂપ બદલીને) નવો વેરિએન્ટ બનાવે ત્યારે જૂની વેક્સિન નિષ્ફળ જાય છે અને બૂસ્ટર ડોઝની જરૂર પડે છે. આ ખામીને દૂર કરવા માટે કેમ્બ્રિજના સંશોધકોએ અલગ-અલગ કોરોના વાયરસના જિનેટિક ડેટાને AI પ્રોગ્રામમાં ફીડ કર્યો હતો. આ ડેટાના ગહન વિશ્લેષણ બાદ એઆઈએ એક ખાસ ‘સુપર એન્ટિજન’ તૈયાર કર્યું છે. આ સુપર એન્ટિજન માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુન સિસ્ટમ)ને વાયરસના સંભવિત તમામ વેરિએન્ટ્સને અગાઉથી જ ઓળખીને તેની સામે લડવાની એડવાન્સ ટ્રેનિંગ આપે છે.
આ ઓન વાંચો: RTE પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજો રાઉન્ડ આજથી શરૂ: રાજ્યમાં હજુ ૭,૦૨૨ બેઠકો ખાલી
પ્રાણીઓમાંથી ફેલાતા વાયરસો પર પણ ચાલશે બ્રહ્માસ્ત્ર
વૈજ્ઞાનિકોના મતે આ AI જનરેટેડ વેક્સિન કોરોનાના તમામ માનવ વેરિએન્ટ્સ ઉપરાંત હાલમાં પ્રાણીઓમાં જોવા મળતા અને ભવિષ્યમાં માણસોમાં ટ્રાન્સફર થઈ શકે તેવા ઘાતક વાયરસોને પણ બેઅસર કરવાની તાકાત ધરાવે છે.
હ્યુમન ટ્રાયલના શરૂઆતના તબક્કા સફળ: સેંકડો લોકો પર પરીક્ષણ
આ વેક્સિનનું અત્યાર સુધીનું પરીક્ષણ ખૂબ જ આશાસ્પદ રહ્યું છે:
પ્રથમ તબક્કો: શરૂઆતમાં ૩૯ સ્વસ્થ લોકો પર આ વેક્સિનનું પ્રથમ ટ્રાયલ કરવામાં આવ્યું હતું, જેના પરિણામોમાં આ રસી માનવ શરીર માટે ૧૦૦% સુરક્ષિત હોવાનું સાબિત થયું છે.
બીજો તબક્કો: પ્રથમ ચરણની સફળતા બાદ હવે રિસર્ચ ટીમ દ્વારા આશરે ૨૦૦ જેટલા લોકો પર તેનું વ્યાપક ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે.
ફ્લૂ અને ઈબોલા માટે પણ આ ટેકનોલોજી બનશે આશીર્વાદ
કેમ્બ્રિજના મોલેક્યુલર બાયોલોજી વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, આ માત્ર શરૂઆત છે. આ જ અત્યાધુનિક AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને આગામી સમયમાં ઈબોલા, બર્ડ ફ્લૂ, અને સામાન્ય ફ્લૂ (Influenza) જેવા જટિલ અને સતત સ્વરૂપ બદલતા રોગો સામે પણ સાર્વત્રિક વેક્સિન (Universal Vaccines) ડેવલપ કરવામાં આવશે.
