ભારત પાસેથી અમે ખૂબ પૈસા કમાઈ રહ્યા છીએ : ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન
વ્યાપાર સોદો થવાનો વિશ્વાસ, મિત્ર મોદીની પ્રશંસા
અમેરિકા અને ભારત વચ્ચે વેપાર કરાર ટૂંક સમયમાં થઈ જશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સાથેના વેપાર સંબંધોને લઈને વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં તેમને પોતાના સારા મિત્ર ગણાવ્યા હતા, પરંતુ સાથે જ દાવો કર્યો હતો કે વર્ષો સુધી ભારતે અમેરિકાનો વેપારી લાભ લીધો હતો, જ્યારે હવે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે અને અમેરિકા ભારત પાસેથી મોટા પ્રમાણમાં કમાણી કરી રહ્યું છે.
ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે અગાઉ ભારત અમેરિકી ઉત્પાદનો પર ભારે આયાત શુલ્ક વસૂલતું હતું અને અમેરિકા માટે વેપારી સ્થિતિ અનુકૂળ નહોતી, પરંતુ હવે ચિત્ર બદલાઈ ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે બંને દેશો વચ્ચે વ્યાપાર કરાર અંગેની ચર્ચાઓ સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે અને અંતે સોદો ચોક્કસપણે થશે.
આ પણ વાંચો: મણિપુરમાં દંપતી અને પુત્રની હત્યા, મકાનો સળગાવાયા
નોંધનીય છે કે નવી દિલ્હીમાં 1થી 4 જૂન દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે ચાર દિવસીય વેપાર મંત્રણાઓ યોજાઈ હતી. બંને દેશોએ ચર્ચાઓને રચનાત્મક ગણાવી હતી અને પરસ્પર લાભદાયી વચગાળાના વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા પ્રયાસો ચાલુ હોવાનું જણાવ્યું હતું. આ સાથે વ્યાપક દ્વિપક્ષીય વેપાર કરાર અંગેની વાટાઘાટો પણ સમાંતર રીતે આગળ વધી રહી છે. અમેરિકી રાજદૂત સર્જિયો ગોર અને કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે પણ મોટાભાગના મુદ્દાઓ પર સહમતિ બની ગઈ હોવાનું સૂચવતાં કરારના પ્રથમ તબક્કાની જાહેરાત નજીક હોવાનું સંકેત આપ્યો છે.
વ્યાપાર મંત્રણાઓ ચાલુ, પણ ગુંચવણો યથાવત:
અમેરિકા દ્વારા હાથ ધરાયેલી અલગ સમીક્ષા પ્રક્રિયાએ ભારત-અમેરિકા વેપાર ચર્ચાઓમાં નવી અનિશ્ચિતતા ઊભી કરી છે. અમેરિકાના ટ્રેડ એક્ટ-1974ની કલમ 301 હેઠળ 60 અર્થતંત્રોની સમીક્ષા કરવામાં આવી રહી છે, જેમાં બળજબરીથી કરાવવામાં આવતા શ્રમ સાથે સંકળાયેલા આયાતી ઉત્પાદનો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અમેરિકી ટ્રેડ પ્રતિનિધિ જેમિસન ગ્રીરે જણાવ્યું હતું કે આવા આયાતી ઉત્પાદનો પર પૂરતા નિયંત્રણો ન લાદનારા દેશો અમેરિકી કામદારો માટે અસમાન સ્પર્ધાત્મક પરિસ્થિતિ સર્જે છે. ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, બ્રિટન, બાંગ્લાદેશ અને વિયેતનામ સહિતના દેશો આ સમીક્ષા હેઠળ છે. જોકે શુલ્ક સંબંધિત ગુંચવણો યથાવત હોવા છતાં નવી દિલ્હી અને વોશિંગ્ટન બંને વચગાળાના વેપાર કરાર અંગે આશાવાદી દેખાઈ રહ્યા છે.
