ક્રિકેૂટર રવિન્દ્રના પત્ની, રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ કહ્યું, એમને (નયનાબા) શુભકામનાઓ પણ મને
વિશ્વાસ છે કે જનતા કોંગ્રેસને મુંહતોડ જવાબ આપશે
નયનાબા જાડેજાએ કહ્યું, શુભકામનાઓ બદલ આભાર પણ જનતા કોને જવાબ આપશે એ તો સમય જ બતાવશે
મહિલાઓને અનામત ન મળી અને કોંગ્રેસે આનંદ વ્યક્ત કર્યો, આ જ તેની માનસિકતા: રિવાબા
શહેર ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા મંત્રી રિવાબા જાડેજાએ તાજેતરમાં જ મહિલા અનાતમ તેમજ સીમાંકન બિલ પાસ ન થવા અંગે કોંગ્રેસની ટીકા કરતાં કહ્યું કે મહિલાઓની ભલાઈ થાય તેમાં કોંગ્રેસને કોઈ જ રસ નથી. આ બિલ પાસ ન થયું તેની ખુશીમાં કોંગ્રેસ સહિતના વિપક્ષે પાટલી થપથપાવીને ખુશી વ્યક્ત કરી હતી. આ જ તો વિપક્ષની માનસિક્તા છે. કોંગ્રેસે મહિલાઓને માત્ર વોટબેન્ક જ ગણી છે અને તેના માટે મહિલાઓ એટલે માત્ર ભાષણ પૂરતી જ મર્યાદિત રહેવા પામી છે. આ બિલ પાસ ન થાય તે માટે કોંગ્રેસે મોટું ષડયંત્ર રચ્યું હતું. કોંગ્રેસ સહિતના વિપક્ષ તેમના પરિવારની મહિલાઓ જ આગળ આવે તેવી માનસિક્તા ધરાવે છે. વિપક્ષ માતૃશક્તિને ઘરના રસોડા પૂરતી જ મર્યાદિત રાખવા માંગે છે.
રાજકોટ મહાપાલિકાની ચૂંટણીના પ્રચાર-પ્રસારમાં ભલે ધારણા પ્રમાણેનો ગરમાવો ન આવ્યો હોય પરંતુ અંદરખાને ઉમેદવારો દ્વારા તનતોડ `મહેનત’ કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા સોમવારે રાજકોટ આવ્યા હતા અને અહીં તેમણે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું જેમાં તેમણે વોર્ડ નં.૨માંથી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડનાર નયનાબા જાડેજાને ચૂંટણી લડવા બદલ શુભકામના પાઠવી હતી સાથે સાથે જીતશે તો ભાજપ જ તેમ કહેતા આ શુભકામના અંગે નયનાબા જાડેજાએ ભાભીનો આભાર વ્યક્ત કર્યો હતો પરંતુ ભાજપની ઝાટકણી પણ કાઢી હતી. આમ નણંદ-ભોજાઈએ એકબીજાનું નામ લીધા વગર પક્ષને ઝાટકી નાખ્યા હતા.
રિવાબા જાડેજાએ નણંદ નયનાબાના ચૂંટણી લડવા અંગે કહ્યું કે તેમને મારી શુભકામના છે પરંતુ મને વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં પણ કોંગ્રેસને મુંહતોડ જવાબ જ આપવાની છે. એકંદરે તેમનો ઈશારો નયનાબા ચૂંટણી હારી રહ્યા હોવા તરફ હતો પરંતુ તેમણે સ્પષ્ટતા સાથે આમ કહ્યું ન્હોતું.
આ પછી નયનાબા જાડેજા કે જેઓ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન છે તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ પછી તે સાચી હોય કે ખોટી શુભકામના આપે એટલે તેનો આભાર માનવો જરૂરી છે. હું પણ આભાર માનું છું. રહી વાત ચૂંટણી લડવાની તો આ વખતે કોંગ્રેસ જીતવાની છે અને ભાજપમાં હારનો ભય સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે એટલા માટે જ દરેક વોર્ડમાં તેણે ઉમેદવાર બદલવા મજબૂર બનવું પડ્યું હતું.
