અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
એક છત નીચે સંતાડેલા નશીલા પદાર્થ જપ્ત, ચાર શખસ ફરાર
MD ડ્રગ્સ, હાઇબ્રીડ ગાંજો અને કોકેઇન સહિત કુલ રૂા.૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
શહેરના બોપલ વિસ્તારમાં આવેલા હાઈરાઈઝ ફ્લેટમાં ચાલતા ડ્રગ્સના કાળા કારોબારનો એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) એ પર્દાફાશ કર્યો છે. ગુપ્ત બાતમીના આધારે અમદાવાદ ઝોન ANTFની ટીમે બોપલ સ્થિત `આરોહી વીવીઆના’ ફ્લેટના બ્લોક નંબર ઇ/૧૨૦૩માં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન રહેણાંક મકાનમાંથી ૧૦૨.૫૯ ગ્રામ મેથાએમ્ફેટામાઇન (MD ડ્રગ્સ), ૪૬.૬૪ ગ્રામ હાઇબ્રીડ ગાંજો અને ૮.૮૮ ગ્રામ કોકેઇન મળી આવ્યું છે.
પોલીસે સ્થળ પરથી ૪૨ વર્ષીય આરોપી નિશાંત સોલંકીની ધરપકડ કરી છે, જે મૂળ રાજકોટનો રહેવાસી છે. ડ્રગ્સ ઉપરાંત પોલીસને ત્યાંથી વિદેશી દારૂની છ બોટલો અને ૨૪ બીયરના ટીન પણ મળી આવ્યા છે. જપ્ત કરાયેલા માદક પદાર્થો, ચાર મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ મળી કુલ ૧૮ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ કેસમાં અન્ય ચાર આરોપીઓ રીક, સાંડ્રા, ઘોસ્ટ અને અજય પટેલના નામ ખુલ્યા છે, જેઓ હાલ ફરાર છે. આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ અને પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ બોપલ પોલીસને સોંપવામાં આવી છે.
