કચ્છના રેપ વીથ મર્ડર કેસમાં આરોપીને ફાંસી
દુષ્કર્મ આચરી ગળેટૂંપો દઇ હત્યા કરી હતી: નજરે જોનાર સાથી, મેડિકલ પુરાવાના આધારે સ્પેશિયલ કોર્ટનો ચૂકાદો
મુંદ્રા પંથકમાં ત્રણ વર્ષ પહેલાં દેવદર્શને નીકળેલા વૃધ્ધાને લીફ્ટ આપવાના બહાને ૨૪ વર્ષના નરાધમે અવાવરૂ સ્થળે લઇ જઇ
જધન્ય કૃત્ય આચર્યુ હતું
કચ્છ-ભુજ જિલ્લાના મુંદ્રા પંથકમાં ત્રણ વર્ષ પહેલાં ઘરેથી દેવ દર્શન કરવા નીકળેલા ૬૫ વર્ષના વૃધ્ધાને લીફ્ટ આપવાના બહાને અવાવરૂ સ્થળે લઈ જઈ દુષ્કર્મ ગુજારી ગળેટૂંપો દઈ હત્યા કરવાના ચકચારી કેસને સ્પેશિયલ કોર્ટે રેર ઓફ ધી રેર કેસ
ગણી આરોપી સચીન માવજી ઉર્ફે માવો કુંવરિયા (ઉ.વ.૨૪)ને ફાંસીની સજા અને બે લાખનો દંડ ફટકારતા સનસનાટી મચી જવા પામી છે.
આ ચકચારી કેસની જાણવા મળતી વિગતો મુજબ મુંદ્રા તાલુકાના રતાડિયા ગામે રહેતા ૬૫ વર્ષના વૃધ્ધા ગત તા.૨૨-૨-૨૩ના સવારે ઘરેથી રામદેવપીર મંદિરે દર્શન કરવા જવાનું કહી નીકળ્યા બાદ ગુમ થઈ ગયા હતા. આ અંગે પ્રાગપર પોલીસ સ્ટેનમાં વૃધ્ધા ગુમ થયાની પરિવારજનોએ જાહેરાત કરી હતી.
ત્યારબાદ બીજા દિવસે સવારે રતાડિયા ગામની સીમમાંથી ગુમ થયેલા વૃધ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો જેનો પોલીસે કબજો મેળવી પોસ્ટમોર્ટમ કરાવતા વૃધ્ધા પર દુષ્કર્મ ગુજારી મોઢે ડુચો દઈ હત્યા કરવામાં આવી હોવાનું ખુલતા પોલીસે મૃતક વૃધ્ધાના પરિવારજનોની ફરિયાદ પરથી કલમ ૩૬૩, ૩૭૬ અને ૩૦૨ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
મુંદ્રા પોલીસે આ ઘટના અંગે તપાસ કરતાં આરોપી મૃતક વૃધ્ધાને બાઈક પર લઈને જતો હોવાના નજરે જોનારા પુરાવા અને સીસીટીવી ફૂટેજ મળતા પોલીસે બુલી ગામના સચિન માવજી ઉર્ફે માવો કુંવરિયા (ઉ.વ.૨૪)ની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપીનું મેડિકલ પરિક્ષણ અને ડીએનએ ટેસ્ટ કરાવી બે માસમાં જ તપાસ પૂર્ણ કરી તા.૧૫-૪-૨૩ના મુંદ્રા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. જ્યારે અદાલતે તા.૬-૧૧-૨૩ના આરોપી સામે ચાર્જફ્રેમ કર્યો હતો.
રેપ વીથ મર્ડર કેસ ભુજના સ્પેશિયલ જજ જે.એ. ઠક્કર સમક્ષ ચાલી જતાં પોલીસે રજૂ કરેલ પુરાવાની મજબૂત સાંકળ નજરે જોનાર સાક્ષી, સીસીટીવી ફૂટેજ તેમજ ડીએનએ ટેસ્ટ અને મેડિકલ પુરાવાના આધારે ૈઆજે ઉઘડતી અદાલતે આરોપી સચિન કુંવરિયાને તક્સીરવાન ઠરાવી રેર ઓફ ધ રેર કેસ માની કલમ ૩૦૨ હેઠળ આરોપીને ફાંસીની સજા અને ૧ લાખનો દંડ, જો દંડ ન ભરે તો પાંચ વર્ષની સજા અને કલમ ૩૭૬ હેઠળ આજીવન કેસની સજા અને એક લાખનો દંડ, જો દંડ ન ભરે તો ૩ વર્ષની સજાનો હુકમ કર્યો છે.
ભુજના સ્પેશિયલ જજ સમક્ષ સરકાર પક્ષે મજબૂત પુરાવાની સાંકળ પુરવાર કરી હતી જેમાં નજરે જોનાર સાહેદ, આરોપીની ઓળખ પરેડ, આરોપીનો ડીએનએ રિપોર્ટ, ઘટના પહેલાંના સીસીટીવી ફૂટેજ, મેડિકલ ઓફિસરની જુબાની, પીએમ રિપોર્ટ તેમજ આરોપીનું મેડિકલ પરીક્ષણ રિપોર્ટ માન્ય રાખ્યો હતો.
