એસએમસી રાજકોટ રેન્જમાં: માખાવડ ગામે ફાર્મ હાઉસમાંથી લાખોનો વિદેશી દારૂ પકડ્યો
પાળ ગામના ઇસમના ફાર્મ હાઉસમાં ૭૩૯ બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો: ૩ હાથ ન આવ્યા, રાજકોટના
કુખ્યાત શખસે જથ્થો મોકલ્યો હતો: વાડીમાંથી સગેવગે કરે તે પૂર્વે જ એસએમસીએ દરોડો પાડ્યો
બુટલેગરની હિંમત કે પછી સ્થાનિક પોલીસનું ઢીલાપણું ?
કડક છાપ ધરાવતા આઈપીએસ નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જ આઈ.જી. તરીકે નિમણૂંક થયા બાદ પ્રથમ વખત રાજકોટ રૂરલ પોલીસમાં દારૂનો મોટો જથ્થો એક સ્થળે (ફાર્મ હાઉસમાંથી) પકડાયો છે. નિર્લિપ્ત રાયે રાજકોટ રેન્જમાં ચાર્જ સંભાળ્યા બાદ ધંધાર્થીઓ, અસામાજિક તત્વોમાં ભય ઉભર્યો હતો. જ્યાં પણ ક્યાંય જો કદાચ સ્થાનિક પોલીસની મંજૂરી કે અજાણપણાથી કાંઈ ચાલતું હતું તેના પર પરદો પડી ગયો હતો. જે રીતે રાજકોટની ભાગોળે જ ૧૫ કિ.મી. જેવા અંતરેથી જ વિદેશી દારૂનો ફાર્મ હાઉસમાંથી જથ્થો પકડાતા બુટલેગરની હિંમત વધી, કોઈ ડર નહીં હોય કે પછી સ્થાનિક પોલીસનું ઢીલાપણું ? નિર્લિપ્ત રાય આવ્યા પછી પ્રથમ વખત મોટો જથ્થો પકડાયા બાદ લોધીકા પોલીસમાં કોના પર કેવા પગલાં લેવાશે ? તેના પર રૂરલ પોલીસની મીટ મંડાયેલી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટીમે રાજકોટ રેન્જમાં છાપો માર્યો છે. રાજકોટ જિલ્લાના લોધીકા તાબેના માખાવડ ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં દરોડો પાડી ૭૩૯ બોટલ વિદેશી દારૂ સાથે રાજકોટમાં રહેતા એક શખસને ઝડપી પાડ્યો છે. જ્યારે સપ્લાયર, વાડી ધશરક સહિતના શખસો સામે ગુનો નોંધાવાયો છે. એસએમસીએ દરોડો પાડતા રાજકોટ રૂરલ લોધીકા પોલીસમાં લખલખુ ફેલાયું છે કે કડક છાપ ધરાવતા રેન્જ આઈજીની ગાજ કોની ઉપર પડશે ?સ્ટેટ મોનિટરિંગ સેલમાં જ ફરજ બજાવતા ડીઆઈજી નિર્લિપ્ત રાયને તાજેતરમાં રાજકોટ રેન્જના આઈજી તરીકે મુકવામાં આવ્યા છે. દારૂ, જુગાર, અસામાજિક બદીઓ કોઈ કાળે નહીં સાંખી લેનારા રેન્જ આઈજીની રેન્જમાં આવતા રાજકોટ ગ્રામ્ય પોલીસના લોધીકા પોલીસ મથકની હદમાં આવતા માખાવડ ગામ પાસે વાડીએ એસએમસીના પીએસઆઈ એસ.વી. ગળચર તથા સ્ટાફે માહિતીના આધારે બુધવારે વહેલી સવારે દરોડો પાડ્યો હતો.પોલીસને ફાર્મ હાઉસ (વાડી)માંથી ૧૧.૧૬ લાખની કિંમતનો ૭૩૯ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. વાડી પરથી રાજકોટના ૧૫૦ ફૂટ રિંગરોડ, મવડી ચોકડી પાસે ઉમિયા ચોક નજીક જશરાજ શેરી નં.૪માં રહેતા અજય રમેશભાઈ ભરડા નામનો શખસ હાથ લાગ્યો હતો. જ્યારે ત્રણ શખસો નાસી છૂટ્યા હતા. એસએમસીની પ્રાથમિક તપાસમાં સપ્લાયર તરીકે ઉમિયા ચોક નજીક જ રહેતા નામીચા ઉમંગ કામાણી પટેલનું નામ ખૂલ્યું છે. દારૂનો જથ્થો હરિયાણાથી આવ્યો હતો. રાજકોટના ઈસમે મંગાવ્યો હતો અને તમામ સામે લોધીકા પોલીસ મથકમાં ગુનો નોંધાવાયો છે.
દરોડાના પગલે રાજકોટ રૂરલ પોલીસમાં ભારે ઝટકો આવ્યો છે, ઉંઘતા ઝડપાયા છે, સ્થાનિક લોધીકા પોલીસને ફાર્મ હાઉસમાં ઉતરેલા દારૂની ગંધ ન આવી તો સાથે સાથે એલસીબી, એસઓજી પણ અંધારામાં રહી ગઈ કે શું ? દરોડો પાડ્યા બાદ લોધીકા પોલીસને ખબર પડી કે આપણી હદમાં તો એસએમસીએ દરોડો પાડ્યો. વહેલી સવારથી જ રૂરલ પોલીસમાં આંતરિક દોરડા ધણધણવા લાગ્યા હતા કે આ દરોડામાં કોઈને કોઈનો તો ભોગ લેવાશે. જોવાનું એ રહેશે કે દરોડામાં કોઈ માછલી (નાના કર્મીઓ) ઝપટે ચડશે કે અધિકારી સુધી પગલાં લેવાશે ?
