ભાનુબેન સોરાણી, પ્રવિણ સોરાણી, નિલેષ ગોહેલ, પ્રીતિ ગોહેલ અને વોર્ડ નં.૧૦ના પ્રમુખ દીપક ગોઠી નારાજ
તમામે હોદ્દા છોડ્યા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા બાદ શનિવારે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો થયો છે જેમાં વિરોધ પક્ષના પૂર્વ નેતા સહિતના પાંચ વ્યક્તિઓએ રાજીનામા ધરી દીધા હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૫માંથી ગત ટર્મમાં ચૂંટાયેલા અને વિરોધ પક્ષના નેતા રહી ચૂકેલા નગરસેવક ભાનુબેન સોરાણીની છેલ્લી ઘડીએ ટિકિટ કપાતા ભારે નારાજગી દર્શાવ્યા બાદ દંપતિ ભાનુબેન સોરાણી અને તેમના પતિ પૂર્વ નગરસેવક અને કોંગ્રેસ અગ્રણી પ્રવિણભાઈ સોરાણીએ કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું ધરી દીધું છે.
બીજીબાજુ કોંગ્રેસની પ્રથમ ૪૦ ઉમેદવારની યાદી જાહેર થઈ હતી જેમાં વોર્ડ નં.૭માંથી વાળંદ સમાજનું પ્રતિનિધિ કરતા એક માત્ર પ્રીતિબેન ગોહેલના નામની જાહેરાત કરવામાં આવી હતી એટલું જ નહીં પ્રીતિબેને શુક્રવારે જ ફોર્મ પણ ભરી દીધું હતું. ત્યારબાદ શનિવારે ફોર્મ ભરાવવાના અંતિમ દિવસે પ્રીતિબેનના બદલે વોર્ડ નં.૭માંથી હંસાબેન ગુજારિયાને મેન્ડેટ ફાળવી દેતા પ્રીતિબેન અને તેમના પરિવારમાં ભારે નારાજગી જોવા મળી હતી.
૩૦ વર્ષથી કોંગ્રેસમાં સેવા આપતા નિલેષભાઈ ગોહેલે પત્નીની છેલ્લી ઘડીએ ટિકિટ કપાતા કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે.
વોર્ડ નં.૭માં ઉમેદવારી કરનાર પ્રીતિબેન ગોહેલ અને તેમના પતિ નિલેષભાઈ ગોહેલે મીડિયા સમક્ષ કોંગ્રેસના આગેવાનો સામે આક્ષેપ કર્યા હતા. ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા.
આ તકે કોંગ્રેસના પૂર્વ પ્રદેશમંત્રી નિલેષભાઈ ગોહેલે જણાવ્યું હતું કે, છેલ્લા ૪૦ વર્ષથી તેમનો પરિવાર કોંગ્રેસ સાથે જોડાયેલો છે. પિતા ડાયાભાઈ ગોહેલ દ્વારા નિલેષભાઈને વારસામાં રાજકારણ મળ્યું હતું અને ૩૦ વર્ષથી નિલેષભાઈ પણ કોંગ્રેસ પક્ષમાં પાયાના કાર્યકર તરીકે સેવા આપી રહ્યા હતા. કોંગ્રેસના પ્રથમ લિસ્ટમાં પત્નીનું નામ જાહેર થયાબાદ છેલ્લી ઘડીએ મોવડી મંડળે પત્નીનું મેન્ડેટ કાપી નાખતા ગોહેલ પરિવારે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત રાજકોટ મનપાના વોર્ડ નં.૧૦માં છેલ્લી ઘડીએ કોંગ્રેસે આર.જે. આભા દેસાઈને ટિકિટ ફાળવતા વોર્ડ નં.૧૦ના કોંગ્રેસ પ્રમુખ અને કડવા પાટીદાર આગેવાન દીપકભાઈ ગોઠીએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે. વોર્ડ નં.૧૦માં કોંગ્રેસ અગ્રણી દીપકભાઈ ગોઠીએ તેમના પત્ની માટે ટિકિટ માગી હતી પરંતુ પત્નીને ટિકિટ નહીં મળતા કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો છે.
