સરકારી કર્મચારીઓની બદલી-બઢતી-રજા અને સભા-સરઘસ-રેલી અને લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઇ શકશે નહીં-સોશિયલ કે અન્ય કોઇ પણ મીડિયા મારફતે પ્રચાર ન કરવા સૂચના
રાજયની વિવિધ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી જાહેર થતાંની સાથે આદર્શ આચારસંહિતા અમલી બની છે. જેના અસરકારક અમલીકરણ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.ઓમપ્રકાશના અધ્યક્ષસ્થાને ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થનારા અધિકારીઓની બેઠક યોજાઇ હતી.
અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે. મુછારે આ બેઠકમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ જિલ્લા પંચાયત, ગોંડલ નગરપાલિકા અને ૧૧ તાલુકા પંચાયતોની ચૂંટણીનું મતદાન ૨૬ એપ્રિલે અને મત ગણતરી ૨૮ એપ્રિલે યોજાશે. આ ચૂંટણી અન્વયે અમલી બનેલી આદર્શ આચારસંહિતાનું પાલન શાસક પક્ષ, તમામ રાજકીય પક્ષો અને સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ કરવાનું રહેશે. મતદાન અને મત ગણતરી અંગે રાજય ચૂંટણી આયોગ દ્વારા વખતો-વખત જારી કરાનારા પ્રતિબંધક આદેશોનું સંબંધિત સર્વેએ અચૂક પાલન કરવાનું રહેશે. આ સમયગાળા દરમ્યાન કોઇ પણ પ્રકારના વિકાસકામોના ખાતમુહૂર્ત કે લોકાર્પણ થઇ શકશે નહીં.
તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની બદલી-બઢતી પર પ્રતિબંધ રહેશે. વર્ગ ૩ અને ૪ના કર્મચારીઓની કોઇ પણ પ્રકારની રજા માટે જિલ્લા ચૂંટણી અધિકારીની મંજૂરી અને વર્ગ-૨ કે તેથી ઉપરની કક્ષાના કોઇ પણ અધિકારીની કોઇ પણ પ્રકારની રજા માટે જિલ્લા ચૂંટણી આયોગની મંજૂરી લેવી જરૂરી છે.
કોઇ પણ પ્રકારના સભા-સરઘસ-રેલી પૂર્વમંજૂરી વગર યોજી શકાશે નહીં. ચૂંટણીના સમયગાળા દરમ્યાન હથિયારબંધીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. લાઇસન્સધારી હથિયારધારકોએ તેમના હથિયારો સંબંધિત પોલિસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે. મહાનગરપાલિકાની બસ, બેંકો, એ.ટી.એમ.સેન્ટર અને અન્ય કોઇ જાહેર કે સરકારી કચેરી ખાતે લાગેલા સરકારી યોજનાઓના પોસ્ટર્સ તાત્કાલિક અસરથી દૂર કરવાના રહેશે. સોશિયલ મીડિયાના કોઇ પણ પ્લેટફોર્મ પર સરકારી યોજનાઓની પ્રસિધ્ધિ નહીં કરી શકાય. સ્ટેટિક અને માઉન્ટેડ લાઉડ સ્પીકરના ઉપયોગ માટે સંબંધિત અધિકારીની મંજૂરી લેવી જરૂરી છે. રાજયસરકારના મંત્રીઓ કે રાજકીય પક્ષના ઉમેદવારો ચૂંટણી બાબતે વહીવટીતંત્ર સાથે વીડિયો કોન્ફરન્સ યોજી શકશે નહીં. ચૂંટણી કામગીરી માટે સરકારી વાહનોનો ઉપયોગ કરી શકાશે નહીં. રાજયસરકારની યોજનાઓનો કોઇ પણ માધ્યમ મારફતે પ્રચાર-પ્રસાર કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઇ પણ શૈક્ષણિક સમયપત્રકને કોઇ પણ પ્રકારની અસર ન થવી જોઇએ. ચૂંટણીલક્ષી ચોપાનિયા, ભીંતચિત્રો, પોસ્ટર્સ, કટ આઉટ, હોર્ડીંગ્ઝ, બેનર્સ વગેરે લગાવવા પર પ્રતિબંધ રહેશે, તેમ મુછારે જણાવ્યું હતું.
આ બેઠકમાં ડી.સી.પી. જગદીશ બંગારવા, પ્રાદેશિક નગરપાલિકા નિયામક મહેશ જાની, ગોંડલ ડી વાય.એસ.પી.સમિરન ભારદ્વાજ, અધિક કલેકટર ઇલાબેન ચૈાહાણ, રૂડાના સી.ઇ.ઓ. ગૌતમ મિયાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે.વસ્તાણી, પ્રાંત અધિકારીઓ, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ તેમજ જિલ્લા સંકલન સમિતિના સર્વે સભ્યો ઉપસ્થિત રહયા હતા.
