ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
પાકિસ્તાનમાં આતંકી સંગઠન જૈશ – એ – મોહમ્મદનાવડા મસૂદ અઝહરના ભાઈ મોહમ્મદ તાહિર અનવરનું રહસ્યમય રીતે મોત થયું છે. મૃત્યુનું ચોક્કસ કારણ હજી સુધી જાહેર ન થતાં અનેક સવાલો ઉભા થયા છે.તાહિર અનવર લાંબા સમયથી જૈશની પ્રવૃત્તિઓમાં સક્રિય હતો અને સંગઠનના ઓપરેશન્સ સાથે નજીકથી જોડાયેલો માનવામાં આવતો હતો. જૈશે પોતાની સત્તાવાર ચેનલ મારફતે તેના મોતની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે અંતિમવિધિ સોમવારે મોડી રાત્રે પાકિસ્તાનના બહાવલપુર સ્થિત જામિયા મસ્જિદ ઉસ્માન વલીમાં યોજાશે.
મહત્વની વાત એ છે કે મોતના કારણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. બીમારી કે કોઈ વિશેષ ઘટના અંગે પણ કોઈ માહિતી બહાર આવી નથી, જેને કારણે ઘટના વધુ શંકાસ્પદ બની રહી છે.ભારતમાં સંસદ પરનો હુમલો તેમ જ પઠાણકોટ એર બેઝ, ઉરી અને પૂલવામા પરના હુમલાઓમાં સંડોવાયેલામસૂદ અઝહરના સંગઠન સામે ભારતે પાકિસ્તાનની અંદર પણ કાર્યવાહી કરી છે. ઓપરેશન સિંદૂર દરમિયાન બહાવલપુરમાં આવેલા જૈશના મુખ્ય મથક પર કરવામાં આવેલા હુમલામાં મસૂદ અઝહરના અનેક નજીકના સગાઓ માર્યા ગયા હતા.
આ પણ વાંચો:નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
આ હુમલામાં જૈશના બેઝ કેમ્પ – જામિયા મસ્જિદ સુભાન અલ્લાહ –ને ભારે નુકસાન પહોંચ્યું હતું અને અઝહરના પરિવારના લગભગ દસ સભ્યો, જેમાં તેની બહેન, બહેનાઈ, ભત્રીજો-ભત્રીજી અને અન્ય સગાસંબંધીઓનો સમાવેશ થાય છે, મોતને ભેટ્યા હતા. આ ઉપરાંત સંગઠનના અનેક સહયોગીઓ પણ માર્યા ગયા હતા. આ પરિસ્થિતિ વચ્ચે તાહિર અનવરનું અચાનક અને રહસ્યમય મોત જૈશ માટે વધુ એક ઝટકો લાગ્યો છે, પરંતુ તેની પાછળનું સાચું કારણ શું છે તે હજી અકબંધ છે.
