રાજકોટમાં કરૂણ ઘટના: સોપાન હાઈટ્સના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી બે માસૂમ ભાઈ-બહેનનાં મો*ત, પરિવારમાં ગમગીની
રાજકોટમાં હજુ થોડા દિવસ પહેલા જ વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું ત્યારે આજે વધુ એક કરૂણ ઘટના સામે આવી છે જેમાં રાજકોટનાં રૈયાધાર વિસ્તારમાં આવેલ સોપાન હાઈટ્સમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી બે સગા ભાઈ-બહેનનાં મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ છે ત્યારે ઘટનાની જાણ થતાં બાળકોના માતા-પિતા દોડી આવ્યા હતા અને બન્નેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે બન્ને ભાઈ બહેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વધુ તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર ઘટના?
પ્રાપ્ત માહિતી અનુસાર, રૈયા ધારમાં ડ્રિમ સિટીની સામે આવેલા સોપાન હાઈટ્સ બિલ્ડિંગમાં આજે બપોરે 2.30 થી 3.30 વાગ્યાના અરસામાં આ દુર્ઘટના ઘટી હતી. અહીં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા મૂળ નેપાળી પરિવારના બે બાળકો, દીપેશ કરણભાઈ ભંડારી (ઉં.વ. 7) અને તેની બહેન દેપસીકા (ઉં.વ. 5), સ્વિમિંગ પૂલ નજીક રમી રહ્યા હતા. રમતા-રમતા બંને બાળકો અચાનક પૂલના ઊંડા પાણીમાં ખાબક્યા હતા.
14 દિવસ પહેલા જ કામે લાગ્યો હતો પરિવાર
બનાવની જાણ થતા જ બિલ્ડિંગમાં સફાઈ કરી રહેલા માતા-પિતા અને રહીશો દોડી આવ્યા હતા. બાળકોને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ કમનસીબ પરિવાર માત્ર 14 દિવસ પહેલા જ આ બિલ્ડિંગમાં સફાઈના કામ માટે જોડાયો હતો. રોજીરોટીની શોધમાં આવેલા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે,
પોલીસ કાર્યવાહી
ઘટના અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ વધુ તપાસ હાથ ધરી છે. 7 અને 5 વર્ષના માસુમ બાળકોના મોતથી પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે.
