દીકરીને પરેશાન કરતાં સાસરા-સાળાએ જ જમાઈને પતાવી દીધો: ઢીમ ઢાળી લાશને 1.50 કિમી દૂર ફેંકી,જાણો શું છે સમગ્ર મામલો
પડધરી તાલુકાના ખોડાપીપર ગામની સીમમાં કપાસના ખેતરમાંથી શ્રમિકની કોહવાયેલી લાશ મળી હતી. જે અંગે પડધરી પોલીસે તપાસ કરતા ખુલાસો થયો હતો કે નશાની હાલતમાં પત્નીને અવારનવાર ત્રાસ આપતા જમાઈથી કંટાળીને તેના સસરા અને સાળાએ જ લાકડીના ઘા ઝીંકી તેની હત્યા કરી દીધી હતી જે બાદ પુરાવાનો નાશ કરવા માટે બંનેએ મૃતદેહને 4.50 કિમી દૂર ફેંકી દીધો હતો.
આ અંગેની વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશના અને હાલ ખોડાપીપરની સીમમાં જગદીશભાઈ હાપલીયાની વાડીએ ખેતમજૂરી કરતા માલસિંગભાઈ દહેદિયા (ઉં.વ. 35) ગત શનિવારથી ગુમ હતા. દરમિયાન શનિવારે સવારે ખોડાપીપર અને સાવલી વચ્ચે આવેલી એક વાડીમાંથી તેમની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. માથાના ભાગે ગંભીર ઈજા હોવા છતાં ઘટનાસ્થળે કોઈ હથિયાર ન મળતા પડધરી પીઆઈ એસ.એન. પરમારે હત્યાની શંકા સાથે તપાસ શરૂ કરી હતી.
દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, મૃતક માલસિંગને દારૂ પીવાની કુટેવ હતી અને તે નશામાં અવારનવાર તેની પત્ની સાથે ઝઘડો કરી હેરાન કરતો હતો. બનાવના દિવસે પણ માલસિંગે નશામાં ધાંધલ કરતા પત્નીના પિતા (સસરા) અને ભાઈ (સાળો) ઉશ્કેરાઈ ગયા હતા. દીકરીને પડતા દુઃખથી કંટાળીને બંનેએ માલસિંગના માથામાં લાકડીઓના ફટકા મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પાપ છુપાવવા માટે રાત્રિના સમયે લાશને ઉંચકીને ૧.૫૦ કિમી દૂર ખેતરમાં ફેંકી દીધી હતી. બનાવ અંગે પડધરી પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપી સસરા અને સાળાને સકંજામાં લેવાની તજવીજ હાથ ધરી છે.
હે..’કોઈને કહીશ તો તને પણ પતાવી દઈશું’ કહી આરોપીઓએ આપી દીકરીને ધમકી
હત્યા કર્યા બાદ આરોપી પિતા-પુત્રએ પોતાની જ દીકરીને ડરાવી-ધમકાવી હતી. પતિની હત્યા નજરે જોનાર પત્ની જ્યારે આઘાતમાં હતી ત્યારે આરોપીઓએ તેને ધમકી આપી હતી કે, “જો આ બાબતે કોઈને પણ જાણ કરી તો તને પણ તારા પતિની જેમ પતાવી દઈશું.” પિતા અને ભાઈના ડરના માર્યા મહિલા અત્યાર સુધી મૌન રહી હતી, પરંતુ પોલીસની કડક પૂછપરછમાં અંતે સત્ય બહાર આવ્યું હતું.
કાળી માટીએ પોલીસની શંકા મજબૂત કરી
પોલીસને પ્રાથમિક તપાસમાં જ હત્યાની ગંધ આવી ગઈ હતી. જે ખેતરમાંથી લાશ મળી ત્યાંની જમીન નરમ અને કાળી માટીવાળી હતી. પોલીસનું તારણ હતું કે આવી નરમ જમીન પર અકસ્માતે પડવાથી માથામાં આટલી ગંભીર ઈજા શક્ય જ નથી. વધુમાં, આસપાસ કોઈ પથ્થર કે બોથડ પદાર્થ ન મળતા સ્પષ્ટ થયું હતું કે માલસિંગની હત્યા અન્ય કોઈ સ્થળે કરીને લાશ અહીં ફેંકવામાં આવી છે.
