શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
દેશમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ થવાની ચર્ચાઓ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ પ્રધાન હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટ કર્યું છે કે આવા કોઈપણ પ્રસ્તાવ પર સરકાર વિચારણા કરી રહી નથી અને લોકડાઉન અંગેની તમામ અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે. તેમણે નાગરિકોને શાંતિ જાળવવા, જવાબદાર વર્તન રાખવા અને એકજુટ રહેવા અપીલ કરી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આપેલા નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક પરિસ્થિતિ સતત બદલાઈ રહી છે અને સરકાર ઊર્જા, સપ્લાય ચેઇન તથા આવશ્યક ચીજવસ્તુઓની સ્થિતિ પર રિયલ-ટાઈમ નજર રાખી રહી છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ઈંધણ, ઊર્જા અને અન્ય જરૂરી પુરવઠાની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
પૂરીએ વધુમાં જણાવ્યું કે ભારતે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે હંમેશા મજબૂત પ્રતિસાદ આપ્યો છે અને આવનારા પડકારો સામે પણ સમયસર, સક્રિય અને સંકલિત રીતે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, લોકડાઉન અંગેની અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે. કેન્દ્ર સરકાર પાસે આવો કોઈ પ્રસ્તાવ નથી. તેમણે ઉમેર્યું કે આવી પરિસ્થિતિમાં અફવાઓ ફેલાવવી બેદરકારીભર્યું અને નુકસાનકારક છે.”
આ પણ વાંચો:વારસાઈ સંબંધિત જમીન વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત: રૂ.300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી લેવાનો ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
ઉલ્લેખનીય છે કે વૈશ્વિક તેલ અને ગેસ પુરવઠા અંગે ઊભી થયેલી ચિંતાઓ તેમજ LPG સપ્લાય અંગેની ચર્ચાઓને કારણે દેશમાં લોકડાઉન અંગેના અનુમાનોએ જોર પકડ્યું હતું. જોકે સરકાર દ્વારા પુનઃસ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેર અવરજવર અથવા આર્થિક પ્રવૃત્તિઓ પર કોઈ પ્રતિબંધ મૂકવાની કોઈ યોજના નથી.
મોદીની ટિપ્પણીઓના ખોટા અર્થઘટનથી અફવાઓ ફેલાઈ
તાજેતરમાં સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા “તૈયારી” સંબંધિત ઉલ્લેખને ખોટી રીતે સમજાતા લોકડાઉન અંગે ગેરસમજ ફેલાઈ હતી. સરકારે સ્પષ્ટતા કરી કે “કોવિડ જેવી તૈયારી”નો અર્થ માત્ર પ્રશાસનિક સજ્જતા અને સંભવિત પરિસ્થિતિઓ માટેની યોજના સુધી મર્યાદિત છે, લોકડાઉન અથવા અવરજવર પર પ્રતિબંધ લાદવાનો કોઈ ઈરાદો નથી.
