ચૂંટણી પહેલાં જ વિકાસની વણઝાર: 28મીએ મુખ્યમંત્રી પટેલ રાજકોટના 632 કરોડના ‘વિકાસ’નું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
તા. 28ને શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. બપોરે ચાર વાગ્યા બાદ તેમનો કાર્યક્રમ રૈયા રોડ પર પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે મહાપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે 632 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
રાજકોટમાં નવા ભળી ગયેલા વિસ્તારો, જેમાં ઘંટેશ્વરનો સમાવેશ થાય છે, ત્યાં ગટરનું પાણી શુદ્ધ કરતો પ્લાન્ટ તૈયાર થઈ ગયો હોય તેને મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. રૈયાધારમાં 33.30 કરોડના ખર્ચે 23 MLD ક્ષમતાનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઘંટેશ્વર વિસ્તાર માટે 30.85 કરોડના ખર્ચે 15 MLD ક્ષમતાનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 15.81 કરોડના ખર્ચે ઘંટેશ્વર માટે જ સીવેજ પમ્પીંગ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે. આ વિસ્તારો રાજકોટમાં ભળી ગયા બાદ, જ્યાં પહેલા ગટરનું પાણી વેડફાઈ જતું હતું, તંત્ર દ્વારા હવે ફિલ્ટર પ્લાન્ટ બનાવી, અહીંથી પાણી ફિલ્ટર કરીને તેને આજી-2 ડેમમાં છોડવામાં આવશે.
આ ઉપરાંત રેલનગર વિસ્તારમાં 139 લાખ લીટર ક્ષમતાનો પાણીનો ટાંકો 8.27 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને તેને પણ ખુલ્લો મુકવામાં આવશે. આ ટાંકો તૈયાર થઈ ગયા બાદ, જો કોઈ ટેક્નિકલ કારણોસર રેલનગર વિસ્તાર સુધી પાણી ન પહોંચ્યું હોય, તો તંત્ર દ્વારા આ ટાંકામાં સંગ્રહિત પાણીનું વિતરણ કરવામાં આવશે, જેથી લોકો પાણીની તંગીનો સામનો ન કરે.
આ ઉપરાંત 368.01 કરોડના ખર્ચે મુખ્યમંત્રી દ્વારા નવા રસ્તા, બિલ્ડિંગ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જ્યારે પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત બનાવવા માટે તંત્ર દ્વારા 173.17 કરોડના ખર્ચે વિવિધ 7 કામ હાથ પર લેવામાં આવ્યા છે, તેમનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે.
