રશિયા-યુક્રેન કરોડો ડોલરના વિવાદમાં ભારતના પૂર્વ સીજેઆઈ ડી.વાય. ચંદ્રચૂડની એન્ટ્રી, બન્યા મધ્યસ્થ
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે એક મહત્ત્વપૂર્ણ કાનૂની લડાઈમાં ભારતના નામનો ડંકો વાગ્યો છે. ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડને રશિયાએ યુક્રેનની સરકારી ‘ઓશાડબેંક’ સાથેના કરોડો ડોલરના રોકાણ વિવાદમાં પોતાના મધ્યસ્થ તરીકે પસંદ કર્યા છે. યુદ્ધ દરમિયાન થયેલા આર્થિક નુકસાનના આ હાઇ-પ્રોફાઇલ કેસમાં હવે 3 સભ્યોની આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ નિર્ણય આપશે.
3 સભ્યોની ટ્રિબ્યુનલ, ચંદ્રચૂડ રશિયા તરફથી મધ્યસ્થ
‘ગ્લોબલ આર્બિટ્રેશન રિવ્યૂ’ના અહેવાલ મુજબ આ વિવાદ ઉકેલવા માટે રશિયા અને યુક્રેનની સંમતિથી ત્રણ સભ્યોની ટ્રિબ્યુનલ બનાવવામાં આવી છે.
ટ્રિબ્યુનલના અધ્યક્ષ તરીકે કોસ્ટા રિકાના પૂર્વ વેપાર મંત્રી ડિયાલા જિમેનેજની નિમણૂક બંને દેશોએ સાથે મળીને કરી છે.
રશિયા તરફથી મધ્યસ્થ તરીકે ભારતના પૂર્વ CJI ડી.વાય. ચંદ્રચૂડને પસંદ કરવામાં આવ્યા છે.
જ્યારે યુક્રેનની ઓશાડબેંક તરફથી ગ્રીસના પ્રોફેસર સ્તાવરોસ બ્રેકૌલકિસ આ કમિટીમાં સામેલ થશે.
શું છે કરોડો ડોલરનો વિવાદ?
આ સમગ્ર કેસ 1998માં રશિયા અને યુક્રેન વચ્ચે થયેલી દ્વિપક્ષીય રોકાણ સંધિ હેઠળ શરૂ થયો છે. યુક્રેનની સરકારી ઓશાડબેંકનો આરોપ છે કે 2022માં રશિયાના લશ્કરી હુમલા બાદ ડોનેટ્સક, લુહાન્સ્ક, ખેરસન અને ઝાપોરિઝિયા જેવા વિસ્તારોમાં તેની મિલકતો અને બિઝનેસ સંપૂર્ણપણે છીનવાઈ ગયા હતા.
આ કારણે બેંકને ભારે આર્થિક નુકસાન થયું છે. નુકસાનની ભરપાઈ માટે બેંકે જુલાઈ 2025માં રશિયાને નોટિસ મોકલી હતી. રશિયા તરફથી જવાબ ન મળતા બેંકે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા પ્રક્રિયા શરૂ કરી.
અગાઉ પણ આવી હતી ઓફર, પણ નકારી હતી
રસપ્રદ વાત એ છે કે આ પહેલી વાર નથી. અગાઉ પણ રશિયાએ ‘વિન્ટર્સહૉલ ડીયા’ અને ‘ઉક્રેનર્ગો’ સાથેના વિવાદોમાં જસ્ટિસ ચંદ્રચૂડને મધ્યસ્થ બનવાની ઓફર કરી હતી, પરંતુ તેમણે તે સ્વીકારી ન હતી.
પાછળથી પર્મેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન દ્વારા તેમને નિર્ણાયક અધિકારી બનાવવામાં આવ્યા ત્યારે તેમણે પોતે જ રશિયા તરફથી મળેલી અગાઉની ઓફર વિશે સ્પષ્ટતા કરીને તે ભૂમિકામાંથી ખસી ગયા હતા.
કોણ લડશે કાનૂની લડાઈ?
આ હાઈ-પ્રોફાઈલ કેસમાં બંને પક્ષે દિગ્ગજ લૉ ફર્મ ઉતારી છે.
ઓશાડબેંક વતી: ‘ક્વિન ઈમેન્યુઅલ અર્કહાર્ટ એન્ડ સુલિવન’ અને ‘એસ્ટર્સ’ લૉ ફર્મના વકીલો
રશિયા વતી: ‘પિન્ના ગોલ્ડબર્ગ’ લૉ ફર્મના એન્ડ્રિયા પિન્ના, ભારતીય મૂળના વકીલ પ્રત્યુષ પંજવાણી અને ડિમિત્રિયોસ પાપાજોર્જિયૂ
હવે આંતરાષ્ટ્રીય મંચ પર જસ્ટિસ ચંદ્રચૂડની કાનૂની સમજ અને તટસ્થતા આ કરોડો ડોલરના વિવાદનો ઉકેલ કેવી રીતે લાવે છે તેના પર દુનિયાની નજર રહેશે.
