ગુજરાતમાં લગ્ન, છૂટાછેડા અને વારસા હક માટે સમાન કાયદો: હવે બહુપત્નીત્વ ગેરકાયદે, લિવ-ઇન રિલેશનશિપમાં નોંધણી ફરિજયાત
રાજ્યની વિધાસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાત સમાન નાગરિક સંહિતા વિધેયક રજૂ કર્યું હતું. સમગ્ર ગુજરાતવાસીઓને લગ્ન, છૂટાછેડા, બહુપત્નીત્વ, મિલકત, વારસાઈ હક, મિલકતની વહેંચણી, લિવ-ઈન રિલેશનશીપ મામલે એક સમાન હક આપતા આ વિધેયક પર મોડી રાત્રિ સુધી ચર્ચા ચાલી હતી.ગુજરાત વિધાનસભામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ગણી શકાય તેવું `ગુજરાત સમાન નાગરિક સંહિતા, 2026′ (UCC) વિધેયક બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું છે.
આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના તમામ નાગરિકો માટે, તેમના ધર્મ, જાતિ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના, લગ્ન, છૂટાછેડા અને વારસાહક જેવી દીવાની બાબતોમાં એક સમાન કાયદાકીય માળખું પૂરું પાડવાનો છે. વિધાનસભામાં પસાર થયા બાદ હવે આ ખરડો રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવશે. રાજ્યપાલના હસ્તાક્ષર અને સત્તાવાર ગેઝેટમાં નોટિફિકેશન જારી થયા બાદ, સમગ્ર ગુજરાતમાં તેનો અમલ વિધિવત રીતે શરૂ થશે. યુસીસી લાગુ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બન્યું છે.
આ પણ વાંચો: ડૉક્ટર શું કરે છે તે જાણવાની ઉત્સુક્તાને કારણે કેમેરો ફિટ કર્યો, પછી જાગી લાલચ! બ્લેકમેઈલિંગ કરી પૈસા કઢાવવા બોગસ પત્રકારોનો સંપર્ક કર્યો
આ સંહિતા રાજ્યના દરેક રહેવાસીને લાગુ પડશે. જોકે, બંધારણીય જોગવાઈઓ મુજબ અનુસૂચિત આદિજાતિ અને કેટલીક અન્ય વ્યક્તિઓના સમૂહને આ સંહિતાની જોગવાઈઓમાંથી મુક્તિ આપવામાં આવી છે. ન્યાયમૂર્તિ (નિવૃત્ત) રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષપદે બનેલી સમિતિની ભલામણોને આધારે આ આધુનિક અને સમાનતાવાદી કાયદો તૈયાર કરવામાં આવ્યો છે.
લગ્ન માટેની પાત્રતા અને શરતો
- લગ્ન સમયે પુરુષની ઉંમર 21 વર્ષ અને સ્ત્રીની ઉંમર 18 વર્ષ પૂર્ણ હોવી અનિવાર્ય છે. આનાથી ઓછી ઉંમરના લગ્નો કાયદેસર ગણાશે નહીં.
- લગ્ન સમયે કોઈપણ પક્ષકારનો અન્ય કોઈ હયાત જીવનસાથી (પતિ કે પત્ની) હોવો જોઈએ નહીં. એટલે કે, પ્રથમ લગ્ન ચાલુ હોય ત્યાં સુધી બીજા લગ્ન કરી શકાશે નહીં.
- લોહીના સગપણ અથવા કાયદા દ્વારા પ્રતિબંધિત નજીકના સંબંધોમાં થતા લગ્નોને માન્યતા આપવામાં આવશે નહીં, સિવાય કે જે-તે સમુદાયની પરંપરામાં તેને છૂટ હોય (પરંતુ તે જાહેર નીતિ વિરુદ્ધ ન હોવી જોઈએ).
છૂટાછેડા અને પુનર્લગ્ન પ્રક્રિયા - હવે કોઈપણ પક્ષકાર પોતાની મરજીથી (કોર્ટની બહાર) એકતરફી છૂટાછેડા આપી શકશે નહીં. છૂટાછેડા માટે સક્ષમ અદાલતમાં અરજી કરવી પડશે અને અદાલતનું હુકમનામું મેળવવું ફરજિયાત છે.
- જો પતિ-પત્ની બંને છૂટા પડવા માંગતા હોય, તો તેઓ ‘પરસ્પર સંમતિ’થી છૂટાછેડા માટે અરજી કરી શકે છે.
- અદાલત દ્વારા છૂટાછેડા મંજૂર થયા બાદ, તેની નોંધણી રજિસ્ટ્રાર પાસે કરાવવી પડશે.
- છૂટાછેડાનું હુકમનામું આખરી થયા બાદ અને અપીલનો સમયગાળો પૂર્ણ થયા પછી જ કોઈપણ વ્યક્તિ કાયદેસર રીતે પુનર્લગ્ન કરી શકશે.
- આ સંહિતાના અમલ સાથે ‘ઇદ્દત’ કે ‘હલાલા’ જેવી પ્રથાઓ કે જે પુનર્લગ્ન પર શરતો લાદે છે, તેની કાયદેસરતા રહેશે નહીં. વ્યક્તિ સીધા જ પુનર્લગ્ન કરી શકશે.
- છૂટાછેડા વખતે પત્નીના ભરણપોષણ અને બાળકોની કસ્ટડી બાબતે અદાલત બાળકના હિતને સર્વોપરી રાખીને નિર્ણય લેશે.
સજા અને દંડની જોગવાઈઓ - જો નિર્ધારિત સમય મર્યાદા (60 દિવસ) માં લગ્નની નોંધણી ન કરાવવામાં આવે, તો પક્ષકારોને દૈનિક ધોરણે દંડ અથવા 25 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
- લગ્ન કે લિવ-ઇન રિલેશનશિપની નોંધણી સમયે જાણીજોઈને ખોટી માહિતી અથવા સોગંદનામું આપવા બદલ 3 મહિના સુધીની જેલ અને 25 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
- જો કોઈ પક્ષકાર નોંધણી કરાવ્યા વગર લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે અને એક મહિના કરતાં વધુ સમય વીતી જાય છે, તો તેમને 3 મહિના સુધીની જેલ અથવા 10 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
લિવ-ઇન રિલેશનશિપ
- ફરજિયાત નોંધણી: ગુજરાતમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા પક્ષકારોએ રજિસ્ટ્રાર સમક્ષ તેની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.
- ઉંમરની મર્યાદા: જો પક્ષકારોમાંથી કોઈની ઉંમર ૨૧ વર્ષથી ઓછી હોય, તો રજિસ્ટ્રાર આ અંગેની જાણ તેમના માતા-પિતા અથવા વાલીને કરશે.
- નિવેદન અને તપાસ: સંબંધની નોંધણી માટે પક્ષકારોએ સંયુક્ત નિવેદન આપવું પડશે. રજિસ્ટ્રાર આ સંબંધ કાયદેસર છે કે નહીં (જેમ કે લોહીના સગપણમાં નથી ને?) તેની તપાસ કરી શકે છે.
- છૂટા પડવા અંગેની જાણ: જો પક્ષકારો લિવ-ઇન રિલેશનશિપનો અંત લાવે, તો તેમણે તે અંગે પણ લેખિત નિવેદન રજિસ્ટ્રારને આપવું પડશે.
- બાળકોની કાયદેસરતા: લિવ-ઇન રિલેશનશિપથી જન્મેલા બાળકોને લગ્નથી જન્મેલા બાળકો સમાન જ તમામ કાયદેસરના અધિકારો અને દરજ્જો મળશે.
- નોંધણી ન કરાવવા બદલ સજા: જો કોઈ પક્ષકાર નોંધણી કરાવ્યા વગર એક મહિનાથી વધુ સમય સાથે રહે, તો તેમને જેલ અથવા દંડની શિક્ષા થઈ શકે છે.
વારસાહક-મિલકતની વહેંચણીના નિયમો - સમાન અધિકાર: પુરુષ અને સ્ત્રી બંનેને મિલકતમાં સમાન અધિકાર આપવામાં આવ્યા છે. જૂના પર્સનલ લોની વિસંગતતાઓ દૂર કરી સમાનતા લાવવામાં આવી છે.
- વર્ગ-1ના વારસદારો: મિલકત પર પ્રથમ હક પત્ની/પતિ, બાળકો (પુત્ર અને પુત્રી બંને) અને માતા-પિતાનો રહેશે. આ તમામ વચ્ચે મિલકત સમાન હિસ્સામાં વહેંચાશે.
- ગર્ભસ્થ બાળકનો અધિકાર: જો વ્યક્તિના મૃત્યુ સમયે બાળક ગર્ભમાં હોય અને તે જીવિત જન્મે, તો તેને પણ વારસામાં સમાન હિસ્સો મળશે.
- વર્ગ-2ના વારસદારો: જો વર્ગ-1માં કોઈ વારસદાર ન હોય, તો મિલકત ભાઈ-બહેન અને અન્ય નજીકના સગા સંબંધીઓ (જે કાયદામાં નિર્ધારિત છે) વચ્ચે વહેંચાશે.
- સરકારનો હક: જો કોઈ મૃતક વ્યક્તિનો કોઈ પણ કાયદેસરનો વારસદાર ન મળી આવે, તો તેવી મિલકત રાજ્ય સરકાર હસ્તગત કરશે.
- હત્યારાને મિલકત નહીં: જો કોઈ વારસદાર મિલકત મેળવવાના આશયથી માલિકની હત્યા કરે અથવા તેમાં મદદગારી કરે, તો તે વારસો મેળવવા માટે ગેરલાયક ઠરશે.
