એ નાનીયા ઉભો રહે, હું આવું છું…! રાજકોટમાં પુત્રની વિદાય માતા સહન ન કરી શક્યા, અંતિમ યાત્રા સમયે જ બેભાન થયા બાદ મોત
વિધિની વક્રતા ક્યારે કેવો વળાંક લઈ લેશે તે કાળા માથાનો માનવી ક્યારેય સમજી શક્યો નથી અને સમજી શકશે પણ નહીં…જો કે ક્યારેક ક્યારેક એવા બનાવ બની જાય છે જે જોઈ-સાંભળી-વાંચીને પાષાણ હૃદય પણ પીગળી જતું હોય છે ત્યારે આવી જ એક ઘટના રાજકોટમાં બનવા પામી છે. માનસિક દિવ્યાંગ કે જેને દુનિયાદારીની બહુ ઓછી સમજ હતી તેની 30 વર્ષ સુધી લાડકોડ સાથે સેવાચાકરી કર્યા બાદ પણ તેનું નિધન થતાં તેનો વજ્રઘાત માતા સહન કરી શકી ન્હોતી અને અંતિમયાત્રા નીકળી ત્યારે જ બેભાન થઈ જતાં સારવાર દરમિયાન તેમનું પણ મૃત્યુ નિપજતાં 16 કલાકની અંદર જ બન્નેએ દુનિયા છોડી દીધી હતી !
આ અંગે વધુમાં જાણવા મળેલી વિગત પ્રમાણે શહેરના દૂધસાગર રોડ ઉપર હાઉસિંગ બોર્ડ પાસે આવેલી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતો જય જીતેન્દ્રભાઈ નિર્મળ (ઉ.વ.30) માનસિક દિવ્યાંગ હોય તેની સારવાર ચાલી રહી હતી. જયની તબિયત બગડતાં બેભાન થઈ ગયો હતો. આ જ અવસ્થામાં તેને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા બાદ શનિવારે સાંજે 7:30 વાગ્યે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. રાત્રે 11:30 વાગ્યે જયના મૃતદેહની પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી પરંતુ રાત્રિના સમયે અંતિમયાત્રા ન કાઢવા પરિવારે નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો: અફવાઓથી દૂર રહો: રાજકોટ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ, 36 પેટ્રોલ પંપો પર ઈંધણનો પુરવઠો યથાવત
આ પછી બીજા દિવસે એટલે કે રવિવારે સવારે 10:30 વાગ્યે જયની અંતિમયાત્રા નીકળી હતી. હજુ તો જયનો નશ્વર દેહ શબવાહિની સુધી પહોંચ્યો પણ ન્હોતો ત્યાં જ તેના માતા રાજેશ્રીબેન જીતેન્દ્રભાઈ નિર્મળ (ઉ.વ.59)એ જોરથી રાડ પાડીને કહ્યું હતું કે `એ નાનીયા ઉભો રહે, હું આવું છું’ આટલુ કહીને તેઓ પણ સોસાયટીની શેરીમાં જ ઢળી પડતાં તેમને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક કલાક સુધી સારવાર ચાલ્યા બાદ સવારે 11:30 વાગ્યે તેમનું પ્રાણપંખેરું પણ ઉડી ગયું હતું. આમ 16 કલાકની અંદર જ માતા-પુત્ર બન્નેએ દુનિયા છોડી દીધી હતી.
વધુમાં જાણવા મળ્યા પ્રમાણે રાજેશ્રીબેનના પતિ જીતેન્દ્રભાઈ કારખાનામાં મજૂરીકામ કરે છે જ્યારે પરિવારમાં તેમને મૃતક જય ઉપરાંત અભય નામનો એક મોટો પુત્ર પણ છે.
એક બાજુ પુત્રને મુખાગ્ની અપાઈ, બીજી બાજુ માતાને મૃત જાહેર કરાયા
પુત્રની અંતિમયાત્રા વખતે જ માતા રાજેશ્રીબેન બેભાન થઈ જતાં સ્મશાન યાત્રામાં સામેલ અમુક પરિવારજને તેમને સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા જ્યારે બાકીના લોકોની હાજરીમાં સ્મશાન યાત્રા નીકળી હતી. જયના મૃતદેહને સ્મશાનમાં મુખાગ્ની અપાઈ બરાબર ત્યારે જ જયના માતા રાજેશ્રીબેન પણ મૃત્યુ પામ્યાનો ફોન આવતાં નિર્મળ પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું.
