અફવાઓથી દૂર રહો: રાજકોટ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ, 36 પેટ્રોલ પંપો પર ઈંધણનો પુરવઠો યથાવત
યુદ્ધની સ્થિતિને લઈને ઘણી અફવાઑ વહેતી થઈ છે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરો થઈ રહ્યો છે. રાજકોટ સહિતના શહેરોમાં કેટલાક પંપ બંધ જોવા મળતા લોકો પેટ્રોલ પંપ પર લઈને લગાવી રહ્યા છે. ત્યારે આ અંગે રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા થોડા સમયથી પેટ્રોલ અને ડીઝલની અછત અંગે વહેતા થયેલા અહેવાલો બાબતે કલેક્ટર ડો. ઓમ પ્રકાશે નાગરિકોને ખાતરી આપતા જણાવ્યું કે જિલ્લાના તમામ પેટ્રોલ પંપો પર ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
361 પેટ્રોલ પંપ કાર્યરત
જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, “રાજકોટ જિલ્લામાં 264 અને શહેર વિસ્તારમાં 97 મળીને કુલ 361 પેટ્રોલ પંપ કાર્યરત છે. જેમાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલ- ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે. તેલ કંપનીઓ દ્વારા પણ પુરવઠો નિયમિત રીતે પૂરો પાડવામાં આવી રહ્યો છે.નાગરિકોએ ગભરાટમાં આવીને પેટ્રોલ પંપો પર ભીડ કરવાની જરૂર નથી.”
આ સાથે સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી ખોટી માહિતી કે અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા કલેક્ટરએ નમ્ર અપીલ કરી છે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પૂરતા જથ્થાની માંગ સાથે રજૂઆત
ઇઝરાયેલ–અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની પૃષ્ઠભૂમિમાં રાજકોટમાં પેટ્રોલ-ડીઝલ સપ્લાય અંગે ચિંતા ઊભી થઈ છે. પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિએશને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પૂરતા જથ્થાની માંગ સાથે રજૂઆત કરી છે. હાલ રાજકોટમાં IOCના 7 તેમજ નાયરા અને રિલાયન્સના કેટલાક પંપ બંધ છે, જેનું કારણ રજાઓને કારણે સપ્લાય ચેનમાં થયેલી તાત્કાલિક અડચણ જણાવાઈ છે. જોકે અધિકારીઓએ ખાતરી આપી છે કે એક અઠવાડિયામાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે અને લોકોને ગભરાવાની જરૂર નથી.
