પ્રેસ કાર્ડનો ખુલ્લે આમ વેપલો, ભાવ તાલ સાથે જાહેરખબરો! હજાર હજાર રૂપિયામાં પ્રેસ કાર્ડ વેચતા કથિત અખબારો પોલીસના રડારમાં
રાજકોટમાં એક તબીબને બ્લેક મેલ કરી 25 લાખની ખંડણી માંગવાના પ્રકરણમાં એક – બે નહી પણ એક સાથે આઠ આઠ કથિત પત્રકારો સામે ગુનો નોંધવાની ઐતિહાસિક ઘટનાના છેક ગાંધીનગર સુધી ઘેરા પડઘા પડ્યા છે. પત્રકારત્વના ઓઠાં હેઠળ ખંડણી ઉઘરાવવાનો ધંધો કરતાં આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાના “ઉપરથી” પણ નિર્દેશો છૂટ્યા બાદ પોલીસે બમણા જોરથી વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી છે. તે તપાસ દરમિયાન, કેટલાક તત્વો દ્વારા હજાર હજાર રૂપિયામાં પ્રેસ કાર્ડ વેંચવામાં આવતા હોવાનું ખૂલતાં પોલીસ ચોંકી ઉઠી છે.સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે એ દિશામાં તપાસનું નાળચું લંબાવતા પ્રેસ કાર્ડની દુકાન ખોલીને બેઠેલા તત્વો હાલ પૂરતા ભોં ભીતર થઈ જવાની વેતરણમાં પડી ગયા છે.
રાજકોટની ઘટનામાં પોલીસે લીધેલા કડક પગલાની એક તરફ તો આખો સમાજ અને આખું પત્રકાર જગત સરાહના કરી રહ્યું છે ત્યારે બીજી તરફ આ ખંડણીખોરોની તરફેણમાં પણ એક નામચીન ટોળકીએ સોશિયલ મીડિયા પર બચાવ અભિયાન આદર્યુ છે. આ ટોળકીના કહેવા મુજબ આ બધા આરોપીઓ તો સીધા સાદા અને સંત પુરુષો જેવા પવિત્ર અને નિર્દોષ છે. તેમના કહેવા મુજબ આરોપીઓ ષડયંત્રનો ભોગ બન્યા છે. જો કે કોના ષડયંત્રનો ભોગ બન્યા છે એ રહસ્ય તેમણે અકબંધ રાખ્યું છે. આઘાતજનક વાત તો એ છે કે આ બચાવ અભિયાનના પ્રણેતાઓ અને ટોળકીના નેતાઓ પોલીસ તપાસ સામે પણ આંગળી ચીંધી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આવી પોસ્ટ નજરમાં આવ્યા બાદ પોલીસે કરેલી તપાસમાં ” પ્રેસ કાર્ડ વેચાણ ઉદ્યોગ” અંગે જાણકારી મળતાં પોલીસ અવાચક બની ગઈ છે.પોલીસે આવા તત્વોના ચિઠ્ઠા ખોલવાનું શરૂ કર્યું છે.ગુજરાતની એક એક સ્ટ્રીટમાં પત્રકારો નિમવાની આ નવતર પ્રકારની વ્યાયસાયિક ઝુંબેશ અંગે પોલીસ સજ્જડ પુરાવાઓ એકત્ર કરી રહી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત વિગતો મુજબ ફેસ બુક, વોટ્સ એપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મસ પર નિયમિતરીતે રીતસર પ્રેસ કાર્ડ વેંચવાની જાહેરાતો પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.તેમાં પ્રેસ કાર્ડ મેળવવા માટે ભણતર કે કોઈ અન્ય લાયકાતની જરૂર
ન હોવાનું જણાવવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે. કાર્ડના માસિક અને વાર્ષિક દર નક્કી કરી, એ મુજબ ગામે ગામ બોગસ પત્રકારોનું નેટવર્ક ઉભુ કરાયું હોવાનું ખૂલતાં પોલીસ અચંબિત બની ગઈ છે.
પોલીસ વર્તુળોના જણાવ્યા મુજબ આવા વેચાણ થકી કયા કયા ગામડાઓ અને શહેરોમાં કેટલા પત્રકારો કેટલા વખતથી લીલા આચરી રહ્યા છે તેની તપાસ શરૂ થઈ રહી છે.આ માટે સ્થાનિક માહિતી ખાતાઓની મદદ મેળવાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. નજીકના ભવિષ્યમાં આ લેભાગુ તત્વો ઉપર પણ કાયદાકીય કાર્યવાહી તોળાઈ રહી હોવાના સંકેતો મળી રહ્યા છે.
