પૈસા મન પડે ત્યાં…’ધોનીએ 20 વર્ષના ઓલરાઉન્ડરને આપી સિક્રેટ સલાહ, IPLમાં ચેન્નાઈ સુપરકિંગ્સે 14.20 કરોડમાં આ ખેલાડીને ખરીદ્યો
આઈપીએલ-2026ની નાની હરાજી (મિનિ ઑક્શન)માં ચેન્નાઈ સુપરકિંગ્સે 20 વર્ષના ઑલરાઉન્ડર પ્રશાંત વીરને 14.20 કરોડ રૂપિયામાં ખરીદ કર્યો હતો. પ્રશાંત વીર માટે કોલકત્તા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ તેમજ ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે તીવ્ર હરિફાઈ જામી હતી. અંતમાં ચેન્નાઈએ બાજી મારી પ્રશાંતને ટીમમાં સામેલ કર્યો હતો. ચેન્નાઈ સાથે જોડાયા બાદ પ્રશાંત વીરએ કહ્યું કે દિગ્ગજ ધોની તરફથી તેને એક મહત્ત્વની સલાહ આપવામાં આવી હતી.
આટલી નાની ઉંમરે મોટી રકમ મળ્યા બાદ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પ્રશાંત વીરને પૈસા બચાવવા અને મન પડે ત્યાં ખર્ચ ન કરવાની સલાહ આપી હતી. પ્રશાંતે કહ્યું કે હજુ ધોની સાથે ક્રિકેટ વિશે વધુ વાતચીત થઈ નથી પરંતુ ટૂંકી વાતમાં પણ ધોનીએ ઘણું બધું કહી દીધું હતું.
પ્રશાંત વીર ઉત્તરપ્રદેશ વતી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. તે ડાબોડી સ્પિનર છે અને બેટિંગ પણ કરે છે. પ્રશાંતે અત્યાર સુધી 3 ફર્સ્ટ ક્લાસ, 8 લિસ્ટ-એ અને 9 ટી-20 મેચ રમી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પ્રશાંતે 7 રન અને 2 વિકેટ મેળવી છે. જ્યારે લિસ્ટ-એમાં 120.9ના સ્ટ્રાઈક રેટથી 133 રન અને 10 વિકેટ મેળવી છે. જ્યારે ટી-20માં તેણે 167.2ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 112 રન બનાવ્યા અને 12 વિકેટ ખેલી છે.
