રાજકોટના કોર્પોરેટરોનો ‘પાવર’ પૂરો,પ્રજાના કામ કરવાની કેસેટ શરૂ! 5 વર્ષ પૂરા થયા છતાં અનેક કોર્પોરેટરને લોકો ઓળખતા પણ ન્હોતા
રાજકોટ મહાપાલિકાની ચૂંટણી જાહેર થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે કેમ કે મહિનાના અંતમાં તારીખ જાહેર થવા જઈ રહી છે. જો કે 11 માર્ચે ચૂંટાયેલા 72 કોર્પોરેટરની મુદ્દત 11 માર્ચે પૂર્ણ થઈ જતાં હવે તેમનો કોર્પોરેટર તરીકેનો પાવર’ પણ પૂર્ણ થઈ ગયો છે. પાંચ વર્ષ સુધી કોર્પોરેટર તરીકે રહ્યા બાદ પણ અનેક કોર્પોરેટર એવા પણ છે જેમને તેમના વોર્ડના લોકો હજુ સુધી તેમને ઓળખતાં પણ ન્હોતા ! ખેર, રાત ગઈ, બાત ગઈ માફક હવે તમામ કોર્પોરેટર ભૂતપૂર્વ’ બની ગયા છે પરંતુ પાવર’ પૂરો થતાંની સાથે જ હવે તમામે એક જ કેસેટ વગાડવાનું શરૂ કરી દીધું છે અને એ છે પ્રજાના કામ કરવાની’ કેસેટ !
ચૂંટાયેલા 72માંથી અનેક કોર્પોરેટર એવા પણ છે જેમને જ્યારે જરૂર મતલબ કે મત જોઈતા હતા ત્યારે પ્રજાને ભરપૂર સાથ આપ્યા બાદ જેવા ચૂંટાઈ ગયા કે તુરંત જ ગરજ પૂરી, વૈદ્ય વેરી'ની કહેવત સાર્થક કરતા હોય તે પ્રકારે હું કોણ ને તું કોણ’ કરીને પ્રજાથી મોઢું ફેરવી લીધું હોય તેવા કોર્પોરેટર જો હવે રિપિટ થશે તો તેમને જબરદસ્ત પછડાટ મળશે તે નિશ્ચિત છે સાથે સાથે અમુક કોર્પોરેટરને અત્યારથી જ `પૂર્વ કોર્પોરેટર’ રહેવા મતલબ કે ટિકિટ મળવાની શક્યતા બહુ ઓછી તેવું કહી દેવામાં આવ્યાનો ગણગણાટ પણ શરૂ થઈ ચૂક્યો છે.
સૌથી આશ્ચર્યની વાત એ છે કે મહાપાલિકામાં વિવિધ 13 જેટલી સમિતિ કાર્યરત છે તેના ચેરમેન બનાવી કોર્પોરેટરોને શિરપાંવ પણ આપવામાં આવ્યો હતો અને બા-કાયદા એ.સી.થી સજ્જ ઓફિસ પણ મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં ફાળવવામાં આવી હતી પરંતુ અનેક `મહાશય’ પોતાની ઓફિસમાં ઉપસ્થિત જ રહ્યા ન હોવાથી તેમની ઓફિસનો ઉપયોગ હોદ્દાની રૂએ તેમને મળેલા કર્મચારીઓએ વધુ કર્યો હતો.
અનેક કોર્પોરેટર એવા પણ છે જેમણે રાત-દિવસ જોયા વગર પ્રજાના કામ કર્યા છે ત્યારે આ કામની નોંધ લઈ આગલી ચૂંટણીમાં તેમને ટિકિટ મળવાની શક્યતા પણ પ્રબળ બની ગઈ છે પરંતુ જો એક ટકો પણ આવા કોર્પોરેટરની ટિકિટ કપાશે તો ખરેખર અન્યાય ગણાશે તે પણ નોંધવું રહું.
કયા કોર્પોરેટરે શું કહ્યું ?
હું મારા વોર્ડમાં એક્ટિવ જ રહીશ, પ્લોટ ભાડે આપી મહાપાલિકાની કમાણી ન વધારી શક્યો તેનો રંજ: જયમીન ઠાકર
વોર્ડ નં.2ના પૂર્વ કોર્પોરેટર અને અઢી વર્ષ સુધી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહેલા જયમીન ઠાકરે જણાવ્યું કે કોર્પોરેટરની જવાબદારી પૂર્ણ ભલે થઈ ગઈ પરંતું હું મારા વોર્ડમાં એક્ટિવ જ રહેવાનો છું. લોકોને મારા લગત જે પણ કામ હોય તે સંકોચ રાખ્યા વગર કહી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે મારો એક સંકલ્પ હતો કે મહાપાલિકાના જે ખાલી પડેલા વિશાળ પ્લોટ છે તેને ભાડે અપાવીને તંત્રની કમાણીમાં વધારો કરવો. જો કે અઢી વર્ષ દરમિયાન આ કામ ન થઈ શક્યું તેનો મને ખૂબ જ રંજ રહેશે.
મારું કાર્યાલય કાયમ ચાલુ જ રહેશે, ત્યાં પાંચ લોકો કાર્યરત જ છે: નરેન્દ્રસિંહ જાડેજા
વોર્ડ નં.3ના પૂર્વ કોર્પોરેટર અને અઢી વર્ષ સુધી ડેપ્યુટી મેયર રહેનારા નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે મારું કાર્યાલય કાયમ ચાલુ જ રહેવાનું છે અને ત્યાં મેં પાંચ લોકો બેસાડીને રાખ્યા છે જેઓ પ્રજાના દરેક કામ કરવા માટે કાર્યરત રહેશે. મારા ડેપ્યુટી મેયર તરીકેના કાર્યકાળમાં દરેક કામ પૂરા થયા છે જેનો મને આનંદ રહેશે. પક્ષ જો બીજી વખત તક આપશે તો પાછલી ટર્મ કરતા વધુ બમણા જોર સાથે કામ કરીશ.
મેં પ્રજાને જ પહેલાં રાખી છે અને આગળ પણ રાખીશ: નયનાબેન પેઢડિયા
વોર્ડ નં.4ના પૂર્વ કોર્પોરેટર અને અઢી વર્ષ સુધી મેયર રહેનારા નયનાબેન પેઢડિયાએ જણાવ્યું કે મેં માત્ર મારા જ નહીં પરંતુ આખા રાજકોટની પ્રજાને પહેલાં રાખી છે અને હું કોર્પોરેટર રહુ કે ન રહુ આ સિલસિલો યથાવત રહેશે. લોકો પણ મને કહી રહ્યા છે કે `તમે અમારા કાયમી મેયર છો’ બસ, આનાથી વધુ મારે શું જોઈએ. રહી વાત આગલી ચૂંટણી લડવાની તો પક્ષ કહેશે એમ કરીશ પરંતુ અત્યારે તો પ્રજાના કામ અચૂક કરીશ તે નિશ્ચિત છે.
100 વર્ષ જૂની હેરિટેજ માર્કેટની કાયાપલટ ન કરાવી શક્યો તેનો અફસોસ: ડૉ.નેહલ શુક્લ
વોર્ડ નં.7ના પૂર્વ કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય ડૉ.નેહલ શુક્લએ જણાવ્યું કે લોકોના કામ કરવા માટે કોર્પોરેટર હોવું જરૂરી નથી. હું પાછલી ચૂંટણીની જેમ જ આ ચૂંટણીમાં પણ સામેથી ટિકિટ માંગવાનો નથી. પક્ષ જે આદેશ આપશે તે માન્ય રહેશે. જો કે મારા વોર્ડ નં.7માં આવેલી હેરિટેજ માર્કેટની કાયાપલટ ન કરાવી શક્યો તેનો અફસોસ મને રહેશે. આ કામ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરી દેવામાં આવ્યું છે પરંતુ આગળ કાર્યવાહી શરૂ થઈ નથી.
