‘બાટલા’ની પારાયણ: આજે બુક કરાવો, ચાર દિવસે મળશે ડિલિવરી! રાંધણગેસ સિલિન્ડર બુકિંગ માટેની લાઈન આજથી ક્લિયર થશે
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નીકળતાં આખા વિશ્વ ઉપર આ યુદ્ધની અસર વર્તાઈ રહી છે. ખાસ કરીને ભારતની વાત કરવામાં આવે તો રાંધણગેસ સિલિન્ડરની જાણે કે એક ઝાટકે અછત સર્જાઈ ગઈ હોય તે પ્રકારે સમયસર ડિલિવરી ન થવાને કારણે ગૃહિણીઓમાં દેકારો બોલી જવા પામ્યો છે. રાજકોટમાં સ્થિતિ એવી છે કે આજે બાટલો બુક કરાવવામાં આવે તો તેની ડિલિવરી છેક 4 દિવસે મળી રહી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે સિલિન્ડર બુક કરવા માટે જે નંબર આપવામાં આવ્યા છે તે તમામ `સેવામાંથી બહાર’ થઈ જતાં મતલબ કે બુકિંગ જ ન થઈ શકતું હોવાને કારણે લોકોની હેરાનગતિનો પાર રહ્યો નથી ત્યારે રાહતની વાત એ છે કે આજથી બુકિંગ માટેની લાઈન એટલે કે નંબર શરૂ થઈ જશે.
રાજકોટમાં અત્યારે રાંધણગેસ સિલિન્ડરની સપ્લાય કરતાં મુખ્ય 20 ડિસ્ટ્રિબ્યુટર્સ કાર્યરત છે. આ તમામ પાસે અત્યારે બફર સ્ટોક ખલ્લાસ થઈ જતાં ડિલિવરી સમયસર થઈ રહી નથી. સામાન્ય દિવસોમાં રાજકોટમાં રોજ 4500 જેટલા સિલિન્ડર ડિલિવર થતાં હતા પરંતુ અફવાઓ સહિતના મુદ્દાને કારણે ડિલિવરીની આ સંખ્યામાં સીધો 2000 જેટલો વધારો થઈ જતાં સપ્લાય ચેઈન ઉપર તેની સીધી અસર પડી રહી છે. વળી, ડિસ્ટ્રિબ્યુટર્સના ફોન પણ આખો દિવસ રણકતા હોય લોકો બાટલો ક્યારે મળશે, મળશે કે નહીં તેવા સવાલો જ પૂછયે રાખતાં હોવાનું પણ જાણવા મળ્યું હતું.
બુકિંગ માટે લોકોએ એક સાથે ધસારો કરી મુકતાં સોફ્ટવેર પણ હાંફી ગયો હોવાથી તેને રિપેર કરવો પડે તેમ હોય કંપની દ્વારા તાત્કાલિક સોફ્ટવેરની મરામત કરાવવી પડી હતી. હવે આજે શુક્રવારથી સિલિન્ડર બુકિંગ માટેનો નંબર શરૂ થઈ જનાર હોય લોકો તેના ઉપર બુકિંગ કરાવી શકશે પરંતુ તેમને સિલિન્ડર છેક ત્રીજા અથવા ચોથા દિવસે મળશે તે પણ નિશ્ચિત છે. સામાન્ય દિવસોમાં સિલિન્ડર બુકિંગ કરાવ્યાના મોડામાં મોડા બીજા દિવસે મળી જતું હતું.
એક સિલિન્ડર પૂરું થયું ન હોવા છતાં લોકો બીજા સિલિન્ડરનું બુકિંગ કરાવતાં હોય સ્થિતિ બગડી
રાજકોટ ગેસ એજન્સી ડિસ્ટ્રિબ્યુટર્સ એસોસિએશનના પ્રમુખ ગુલાબભાઈ ચૌહાણે જણાવ્યું કે લોકો દ્વારા એક સિલિન્ડર સંપૂર્ણપણે ખાલી થવાને વાર હોવા છતાં બીજી વખત સિલિન્ડર મળવામાં મુશ્કેલી થશે તેવું માની રહ્યા હોવાથી ધડાધડ બુકિંગ કરવા લાગતાં બુકિંગનો સોફ્ટવેર ઠપ્પ થઈ ગયો છે. કંપનીને આ અંગેની ફરિયાદ કરાતાં તાત્કાલિક રિપેરિંગ કામ શરૂ કરાયું હતું જેથી આજથી લોકો બુકિંગ કરાવી શકશે. રાજકોટમાં અત્યારે એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસી એમ 3 કંપનીના ગેસ સિલિન્ડર આવી રહ્યા છે પરંતુ બુકિંગમાં વધારો થઈ જતાં અત્યારે ત્રણેય કંપની માંગ પ્રમાણે સપ્લાય કરી શકતી નથી.
મેં 14 લાખ જમા કરાવ્યા, ડિલિવરી માટે ચાર દિવસનું `વેઈટિંગ’ છે
ભારમલ ગેસ એજન્સીના સંચાલક જોયબભાઈ ભારમલે જણાવ્યું કે સિલિન્ડરની ગાડી મોકલવા માટે મેં આઈઓસીમાં 14 લાખ રૂપિયા જમા કરાવ્યા છે પરંતુ મને ડિલિવરી માટે ચારેક દિવસનો સમય લાગશે તેવો જવાબ મળ્યો હોવાથી જ્યાં સુધી જથ્થો નહીં આવે ત્યાં સુધી ગ્રાહકોને ડિલિવરી કરી શકાશે નહીં. વળી, સિલિન્ડર બુકિંગ માટે નંબર પણ બંધ હોય તે શરૂ ન થાય ત્યાં સુધી બુકિંગ પણ કરાવી શકાય તેમ ન હોવાથી અત્યારે લોકોએ ધીરજ રાખ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. હજુ થોડા સમય સુધી આ પ્રકારની સ્થિતિ યથાવત રહેશે તેવો અંદાજ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકાનું મોટું પગલું: ભારત બાદ વિશ્વના તમામ દેશોને 30 દિવસ સુધી રશિયન ઓઇલ ખરીદવાની છૂટ આપી
બુકિંગ માટે ત્રણ નંબર સહિતના વિકલ્પ ઉપલબ્ધ
નંદગોપાલ ભારત ગેસ એજન્સીના અશ્વિનભાઈ વિઠ્ઠલાણીએ જણાવ્યું કે લોકોએ સિલિન્ડર બુકિંગ માટે ત્રણ નંબરનો ઉપયોગ કરી શકે છે. આ નંબરમાં 77180 12345, 77150 12345 ઉપર ફોન કરી બુકિંગ કરાવી શકાશે જ્યારે 77109 55555 ઉપર મિસ્ડ કોલ કરી બુકિંગ કરાવી શકાશે. આ ઉપરાંત ગૂગલ-પે, પે-ટીએમ, ફોન-પે સહિતની યુપીઆઈ એપ્લીકેશન થકી પણ રાંધણ ગેસનું સિલિન્ડર બુકિંગ કરાવી શકાતું હોવાનું તેમણે જણાવ્યું હતું.
બે સિલિન્ડરના બુકીંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો જરૂરી
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં ઉપલબ્ધ LPG સ્ટોકનું પરિવહન અને કાર્યક્ષમ રીતે વિતરણ માટે રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો એલ.પી.જી નો જથ્થો ઉપલબ્ધ છે. એમ રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયુ છે.
ગુજરાત રાજ્યમાં 30% ઘરેલુ ગેસ PNG GAS PIPELINE મારફત પૂરો પાડવામાં આવે છે. PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી ગુજરાત રાજ્યની પરિસ્થિત વધારે સારી છે.
રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેના એલ.પી.જી નો પુરતો પુરવઠો દરેક સ્થળે મળી રહે તે માટે તકેદારીના ભાગરૂપે કેન્દ્ર સરકારના સૂચન હેઠળ જાહેરક્ષેત્રની ઓઈલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા બે એલ.પી.જી સિલિન્ડરના બુકીંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવા નિર્ણય લેવામાં આવેલ છે. આ નિર્ણયના લીધે લોકોમાં અનાવશ્યક તણાવ તેમજ એલ.પી.જી સંગ્રહ ન કરવામાં આવે તેવો મુખ્ય ઉદ્દેશ છે.
કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ હાલ કોર્મશિયલ સિલિન્ડરનું વેચાણ નિયંત્રિત કરવામાં આવેલ છે. પરંતુ હોસ્પિટલ તેમજ શૈક્ષણિક સસ્થાઓ તેમની જરૂરીયાત મુજબ એલ.પી.જી ફાળવણી ચાલુ રાખવામાં આવેલ છે.
