ધોરણ 10 અને 12ની ઉત્તરવહીને ચકાસણી 19મી માર્ચથી થશે શરૂ: રાજકોટમાં 25 કેન્દ્રો ફાળવાયા, 37 વિષયોની ઉત્તરવહી તપાસવામાં આવશે
ધોરણ 10 અને ધોરણ 12 ની ઉત્તરવહીની ચકાસણી આગામી તારીખ 19 મીથી શરૂ કરવામાં આવશે. અગાઉ શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાના ત્રીજા દિવસથી ઉત્તરવહી ચકાસણીની કામગીરી ની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આ વખતે બોર્ડની પરીક્ષા બાદ 19મી માર્ચથી પેપરની ચકાસણી શરૂ થશે.
મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે જેમાં રાજકોટમાં 25 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે ગત વર્ષ કરતાં આ વખતે કેન્દ્રને સંખ્યા વધી છે. પ્રશ્નપત્રની ચકાસણી માટે શિક્ષકોને ઓર્ડરો કરી દેવામાં આવ્યા છે જેવો 17 માર્ચ ના રોજ બોર્ડની પરીક્ષા પૂરી થયા બાદ 19મી તારીખથી મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરીમાં લાગી જશે.
શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ પણ એપ્રિલનાં અંતિમ તબક્કામાં અથવા તો મે મહિનાની શરૂઆતમાં જાહેર કરી દેવાની શક્યતાની પગલે શિક્ષણ બોર્ડ દ્વારા અલગ અલગ સેન્ટરો માટે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો અને શિક્ષકોની ફાળવણી કરવામાં આવી છે જેમાં ધોરણ 10 માટે સમગ્ર રાજ્યમાં 225 થી વધુ મધ્યસ્થ કેન્દ્રો પર 37000 શિક્ષકો દ્વારા 9 મુખ્ય અને 28 માઇનર વિષયો મળી કુલ 37 વિષયોની ઉત્તરવહી તપાસવામાં આવશે.
જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 175 થી વધુ કેન્દ્ર પર 27000 શિક્ષકો દ્વારા 15 મુખ્ય અને 48 માઈનોર વિષયો મળી કુલ 63 વિષયોનું મૂલ્યાંકન થશે. આ ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 70 થી વધુ મધ્યસ્થ કેન્દ્ર પર 9,000 થી વધુ શિક્ષકો 6 મુખ્ય અને 13 માઇનર વિષયોની ઉત્તરવહીની ચકાસણી કરશે. રાજકોટ સહિત રાજ્યભરમાં 450 થી વધુ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર 73,000 થી વધુ શિક્ષકો જોડાશે.
