ઈરાન હવે પડોશી દેશો પર હુમલા નહીં કરે: પ્રમુખની મોટી ઘોષણા, અત્યાર સુધી થયેલા હુમલાઓ બદલ પેઝેશ્કિયાનએ માફી માંગી
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાનએ મહત્વપૂર્ણ નિવેદન આપતાં કહ્યું છે કે ઈરાન હવે પડોશી દેશો સામે કોઈ હુમલો નહીં કરે. અત્યાર સુધી થયેલા હુમલાઓ બદલ તેમણે ખુલ્લેઆમ માફી પણ માંગી છે અને સ્પષ્ટ કર્યું છે કે ઈરાનનો કોઈ દેશ પર આક્રમણ કરવાનો ઈરાદો નથી.
શનિવારે રાષ્ટ્રીય ટેલિવિઝન પર સંબોધન કરતા પ્રમુખ પેઝેશ્કિયાનએ જણાવ્યું હતું કે ઈરાનની અસ્થાયી નેતૃત્વ પરિષદે નિર્ણય લીધો છે કે પડોશી દેશો પર થતા મિસાઇલ હુમલા તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવશે. જ્યાં સુધી પડોશી દેશો તરફથી ઈરાન પર હુમલો નહીં થાય, ત્યાં સુધી ઈરાન તરફથી કોઈ હુમલો કરવામાં નહીં આવે.
પ્રમુખે કહ્યું, “હું અમારા પડોશી દેશો પાસે માફી માંગુ છું. ઈરાનને કોઈપણ દેશ પર ચઢાઈ કરવાની કોઈ ઇચ્છા નથી. અમે પ્રદેશમાં તણાવ વધુ ન વધે તે માટે આ નિર્ણય લીધો છે.”
તેમણે જણાવ્યું કે ઈરાન પ્રદેશમાં સ્થિરતા જાળવવા માંગે છે અને હાલના સંજોગોમાં યુદ્ધનો વ્યાપ વધે તે અટકાવવું અત્યંત જરૂરી છે. તેથી પડોશી દેશો સાથેનો તણાવ ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાનના નિશાનો પર હુમલાઓ બાદ સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે અને અનેક દેશો સંભવિત યુદ્ધના ખતરા અંગે ચિંતિત છે.
