આજથી રાજકોટ એરપોર્ટનું નવું સરનામુંઃ હિરાસર
એક અધ્યાયનો અંત, બીજાનો સુવર્ણ' પ્રારંભ...
સવારે 8:10 વાગ્યે એર ઈન્ડિયાની મુંબઈની પહેલી ફ્લાઈટનું નવા એરપોર્ટ પર કરાશે
ગ્રાન્ડ વેલકમ’ હવેથી એરપોર્ટ સુધી પહોંચવા શહેરીજનોએ કાપવું પડશે 31 કિ.મી.નું અંતરઃ ટૂંક સમયમાં શહેરને મળશે નવી ફ્લાઈટસઃ મોડીરાત સુધી ચાલેલું સ્થળાંતર
રાજકોટમાં 89 વર્ષ પહેલાં મતલબ કે 1934ની સાલમાં શરૂ થયેલા રાજાશાહી વખતના એરપોર્ટનું હવે સરનામું બદલાઈ ગયું છે. છેલ્લા 10 વર્ષમાં અડધા કરોડથી વધુ મુસાફરોની અવર-જવરનું સાક્ષી બનેલું જૂનું એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે અને હવેથી એરપોર્ટનું સંપૂર્ણ સંચાલન શહેરથી 31 કિલોમીટર દૂર આવેલા હિરાસર ગામે `રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ’ પરથી થશે. શુક્રવારે જ જૂના એરપોર્ટ પરથી મુંબઈની છેલ્લી ફ્લાઈટે ઉડાન ભરી હતી. જ્યારે શનિવારે એક દિવસ બાદ હવાઈ સેવા બંધ રહ્યા બાદ આજથી નવા એરપોર્ટ પરથી 11 જેટલી ફ્લાઈટ ઉડાન ભરશે. આજે સવારે 8:10 વાગ્યે એર ઈન્ડિયાની મુંબઈની પહેલી ફ્લાઈટ નવા એરપોર્ટ ઉપર ઉતરાણ કરશે જેનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે. બીજી બાજુ અત્યાર સુધી ઝડપથી એરપોર્ટ સુધી પહોંચી શકતાં શહેરીજનોએ હવે નવા એરપોર્ટ સુધી પહોંચવા માટે 31 કિલોમીટર સુધીનું અંતર કાપવું પડશે. આ સાથે જ ટૂંક સમયમાં રાજકોટને અન્ય રાજ્યો સાથે જોડતી ફ્લાઈટસની જાહેરાત કરવામાં આવશે જે સંભવતઃ દિવાળી સુધીમાં શરૂ થઈ જાય તેવી શક્યતા છે. બીજી બાજુ એરપોર્ટની સ્થળાંતર પ્રક્રિયા મોડીરાત સુધી ચાલી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.