રાજકોટ ઓબ્ઝર્વેશન હોમમાં સુપરવાઈઝરે સગીરને ક્રિકેટના સ્ટમ્પ વડે માર માર્યો: કિશોરે આપવીતી વર્ણવી, જાણો શું છે મામલો
શહેરના ઓબ્ઝર્વેશન હોમમાં શિસ્તના નામે બાળકો પર થતા અત્યાચારની ઘટના સામે આવી છે. મિત્ર સાથે વાતો કરવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાયેલા સુપરવાઈઝરે સગીરને ક્રિકેટના સ્ટમ્પ વડે ઢોર માર માર્યો હતો. તેમજ બાળ આરોપીઓ છાશ વધુ ન પીવે તે માટે તેમાં મીઠું નાખી દેવું તેમજ ગાળો આપવામાં આક્ષેપો કરતા આ મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે સગીરે નોંધાવેલી ફરિયાદ મુજબ,ગત તારીખ 16/02/2026ના રોજ રાત્રિના આઠ વાગ્યે તે અને તેનો મિત્ર પોતાના રૂમમાં બેસી વાતો કરી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં આવેલા હાઉસ ફાધર (સુપરવાઈઝર) કૌશિકે “કેમ જોરથી વાતો કરો છો?” તેમ કહી ધમકાવ્યા હતા. કિશોરે પોતાની ભૂલ સ્વીકારી હોવા છતાં ઉશ્કેરાયેલા કૌશિકે ક્રિકેટનું સ્ટમ્પ મંગાવી કિશોર પર તૂટી પડ્યો હતો.કિશોરના આક્ષેપ મુજબ, તેને બારી પકડાવીને પીઠના ભાગે, બંને પગે અને જમણા હાથે સ્ટમ્પના આડેધડ ફટકા મારવામાં આવ્યા હતા. આ દરમિયાન કિશોરનું માથું બારી સાથે અથડાતા તેને માથામાં પણ ઈજાઓ પહોંચી હતી. આટલું જ નહીં, કિશોરે એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે સુપરવાઈઝર બાળકો સાથે અશ્લીલ ભાષામાં વાત કરે છે અને અનેક બાળકોને અવારનવાર માર મારે છે. તેમજ બાળકો છાશ વધુ ન પી શકે તે માટે જાણીજોઈને તેમાં અતિશય મીઠું નાખવામાં આવે છે.કોઈ બીમાર હોય તો સારવાર માટે દવા પણ આપવામાં નથી આવતી
કિશોર જામીન પર મુક્ત થયા બાદ તાત્કાલિક પી.ડી.યુ. મેડિકલ કોલેજ (સિવિલ હોસ્પિટલ) ખાતે સારવાર લીધી હતી. બોર્ડના સભ્ય રાજેશ ભદ્રકિયા સમક્ષ જ્યારે બાળક હાજર થયો ત્યારે તેના શરીર પરના નિશાન જોઈ સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. બાળકના જમણા હાથ પર સોજો, ઢીંચણ નીચે કાળા ચકામા અને પીઠ પર મારના નિશાન સ્પષ્ટ દેખાતા હતા.બાળ કિશોરની ગંભીર હાલત જોતા અને તેના આક્ષેપોને ધ્યાને રાખીને, બોર્ડ દ્વારા બાળકને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના સભ્ય સાથે ફરીથી સિવિલ હોસ્પિટલ મોકલી વિગતવાર મેડિકલ તપાસ કરાવવાનો હુકમ કરવામાં આવ્યો છે. હાલ એ-ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
