ગુજરાત સરકારનો આકરો આદેશ: મંત્રીઓ-ધારાસભ્યોનું માન જાળવો નહિંતર શિસ્તભંગના પગલાં,જાણો શા માટે લેવો પડ્યો આ નિર્ણય?
ગુજરાતના વહીવટી તંત્રમાં લોકપ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ વચ્ચેના સંકલનને લઈને ફરી એકવાર રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા એક અત્યંત મહત્વનો પરિપત્ર જારી કરી તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે, સંસદસભ્યો (MP), મંત્રીઓ અને ધારાસભ્યો (MLA) સાથેનો વ્યવહાર વિવેકપૂર્ણ અને પ્રોટોકોલ મુજબ હોવો જોઈએ.
શા માટે લેવો પડ્યો આ નિર્ણય?
સરકારના ધ્યાને આવ્યું છે કે વર્ષ 2018 અને 2021માં અગાઉ અનેકવાર સૂચનાઓ આપવા છતાં, કેટલાક અધિકારીઓ લોકપ્રતિનિધિઓ સાથે ઉદ્ધત વ્યવહાર કરે છે અથવા તેમને યોગ્ય સન્માન આપતા નથી. જાહેર હિસાબ સમિતિએ પણ આ બાબતે ગંભીર ટકોર કરી હતી કે સરકારી કાર્યક્રમોમાં પ્રોટોકોલનો ભંગ થઈ રહ્યો છે અને જનપ્રતિનિધિઓની અવગણના કરવામાં આવે છે.
પરિપત્રમાં આપવામાં આવેલા મુખ્ય આદેશો:
- ગરિમાપૂર્ણ આવકાર: મંત્રીઓના જિલ્લા પ્રવાસ દરમિયાન તેમનું યોગ્ય ગૌરવ જળવાય તે રીતે સ્વાગત કરવું.
- સંકલન જરૂરી: જિલ્લાના સરકારી કાર્યક્રમોના આયોજન વખતે જિલ્લાના પ્રભારી મંત્રી સાથે અચૂક સંકલન સાધવું.
- રાહ જોવડાવવી નહીં: જ્યારે પણ કોઈ જનપ્રતિનિધિ સરકારી કચેરીની મુલાકાતે આવે, ત્યારે તેમને રાહ જોવડાવ્યા વિના તુરત જ મળીને તેમની રજૂઆતો સાંભળવી અને ચર્ચા કરવી.
- ચુસ્ત પાલન: અગાઉના તમામ પરિપત્રોની સૂચનાઓનું હવેથી ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
શિસ્તભંગના પગલાંની ચીમકી
સામાન્ય વહીવટ વિભાગે આ વખતે માત્ર સૂચના નથી આપી, પરંતુ સીધી ચીમકી પણ ઉચ્ચારી છે. જો ભવિષ્યમાં કોઈ લોકપ્રતિનિધિના અપમાન કે પ્રોટોકોલ ભંગની ફરિયાદ મળશે, તો તેને સેવામાં ‘ગંભીર બેદરકારી’ ગણવામાં આવશે. આવા કિસ્સામાં જવાબદાર અધિકારી કે કર્મચારી સામે નિયમાનુસાર શિસ્તભંગના કડક પગલાં ભરવાની તૈયારી સરકારે બતાવી છે.
