રાજકોટના જંગલેશ્વરમાં કાર્યવાહી સામે હાઈકોર્ટ દ્વારા સ્ટે ન મળ્યો: 23મીએ સવારે 7 વાગ્યાથી ડિમોલિશન થશે શરૂ, અનેક પરિવારે જાતે જ મકાન ખાલી કરી દીધા
રાજકોટના સૌથી સંવેદનશીલ વિસ્તારમાં જેની ગણના થાય છે તે જંગલેશ્વરમાં સોમવારથી મહાપાલિકા દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવનાર છે. જો કે તે પહેલાં અસરગ્રસ્તો દ્વારા હાઈકોર્ટના દ્વાર ખટખટાવી ડિમોલિશનની કાર્યવાહી સામે સ્ટે મેળવવા માટે દાદ માંગવામાં આવી હતી પરંતુ શુક્રવારે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા સ્ટે આપવામાં ન આવતા હવે તંત્ર દ્વારા સોમવારથી આજી નદીના પટ્ટામાં 992 અને 40 મીટરના ટાઉન પ્લાનિંગ રોડ ઉપર ઉભા થયેલા 497 મળી કુલ 1489 મકાન, દુકાન, નાના-મોટા ઓટા સહિતના દબાણો ઉપર બૂલડોઝર ફેરવવાનું શરૂ કરવામાં આવશે.
બીજી બાજુ કલેક્ટર તંત્ર જંગલેશ્વરમાં જ્યાં ડિમોલિશન કરવાનું છે તે ફાઈનલ પ્લોટમાં વસતાં લોકોને વૈકલ્પિક આવાસ અથવા પુન:વસન કરાવવાની માંગ અંગે હાઈકોર્ટમાં આગામી 27 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી કરવામાં આવશે.
હાઈકોર્ટ દ્વારા ડિમોલિશન ઉપર કોઈ પ્રકારની રોક લગાવવામાં ન આવતાં મહાપાલિકાએ પણ રાજકોટના ઈતિહાસમાં થનારા સૌથી મોટા ડિમોલિશન માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તંત્ર દ્વારા દબાણકર્તાઓને સમયાંતરે લેખિત નોટિસ આપી ડિમોલિશન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા સાથે સાથે પોતાની રીતે જ દબાણો દૂર કરવા માટે પણ પૂરતો સમય આપવામાં આવ્યો હતો. માર્ગરેખા તેમજ નદી પટ્ટાની હદ અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હોવા છતાં અમુક સ્થળે ગેરકાયદેસર દબાણ યથાવત હોવાથી હવે તંત્ર તેને તોડવાનું શરૂ કરશે.
મહાપાલિકા દ્વારા 19-2-2026થી અલગ-અલગ ટીમ બનાવી જ્યાં ડિમોલિશન થવાનું છે ત્યાં લોકોને દબાણ દૂર કરવા કહેવામાં આવી રહ્યું છે. એકંદરે તંત્ર દ્વારા અલગ-અલગ સાત ઝોનમાં ૧૧૩૦થી વધુ અધિકારીઓ-કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી છે. આ ઉપરાંત ડિમોલિશન દરમિયાન સ્થળ ઉપર વિશેષ કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવશે. બીજી બાજુ હાઈકોર્ટ તરફથી કોઈ જ `રાહત’ ન મળતાં અનેક દબાણકર્તાઓએ જાતે જ મકાન સહિતના દબાણ ખાલી કરવાનું શરૂ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે.
ડિમોલિશન કરવા માટે તંત્રની તૈયારી

બૂલડોઝર આડા સૂઈ જવું કે બીજા કોઈ છમકલા કરનારની ખેર નથી: પોલીસની ખાસ તૈયારી
સ્વાભાવિક પણે કોઈનું ઘર તૂટતું હોય તો રોષ થાય જ, આવું જ કંઈક ડિમોલિશન સમયે પણ થવાની શક્યતાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા ખાસ તૈયારી કરી લેવામાં આવી છે. સ્થળ ઉપર ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતની ૧૦થી વધુ ટીમ ઉપરાંત રાજકોટનો મહત્તમ પોલીસ કાફલો તૈનાત રહેશે ત્યારે આ સમયે બૂલડોઝર આડા સૂઈ જવું કે અન્ય કોઈ પ્રકારના છમકલા કરનારા તત્ત્વોની ખેર નહીં રહે તે વાત નિશ્ચિત છે.
સવારે સાત વાગ્યાથી ડિમોલિશન શરૂ થઈ જશે
મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું કે સોમવારે સવારે સાત વાગ્યાથી ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે. એક સાથે ૧૪૮૯ દબાણ દૂર કરવાના હોવાથી કદાચ એક દિવસમાં ડિમોલિશન પૂરું થાય તેવી શક્યતા ન જણાતી હોય તંત્ર દ્વારા બેથી ત્રણ દિવસ સુધી આ કાર્યવાહી કરાય તેવી શક્યતા પણ રહેલી છે.
