લો બોલો! હૈદરાબાદમાં બિરયાની રેસ્ટોરન્ટે 70 હજાર કરોડની ટેક્સ ચોરી પકાવી: આવકવેરાનું મેગા ઓપરેશન,જાણો શું છે મામલો
હૈદરાબાદમાં એક બિરયાની રેસ્ટોરન્ટ ચેઇનની તપાસમાં એક મોટું કરચોરી કૌભાંડ બહાર આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ખાદ્ય અને પીણા ઉદ્યોગનું આ કૌભાંડ હજારો કરોડ રૂપિયાનું હોઈ શકે છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, આવકવેરા વિભાગના હૈદરાબાદ તપાસ એકમે બિલિંગ સોફ્ટવેરમાં 60 ટેરાબાઇટ ડેટા ચકાસ્યા પછી આ ચોરી પકડી હતી.
આ સોફ્ટવેરનો ઉપયોગ દેશભરમાં 1 લાખથી વધુ રેસ્ટોરન્ટ્સ દ્વારા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રેસ્ટોરન્ટ્સે 2019-20 થી ઓછામાં ઓછા 70,000 કરોડ રૂપિયાનું વેચાણ છુપાવ્યું છે. ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાં વેચાણના ડેટા કાઢી નાખવામાં આવ્યા હતા.
જોકે, અધિકારીઓએ હજુ સુધી આવક પરનો કર અને દંડની ગણના કરી નથી. તેમનું કહેવું છે કે તેમણે જે સોફ્ટવેરનું પરીક્ષણ કર્યું છે તે દેશના કુલ રેસ્ટોરન્ટ બિલિંગ સોફ્ટવેર માર્કેટના લગભગ 10 ટકાને નિયંત્રિત કરે છે. તપાસકર્તાઓએ 1.8 લાખથી વધુ રેસ્ટોરન્ટ્સમાંથી ડેટા ચેક કરવા માટે ડેટા વિશ્લેષણ અને AI ટૂલ્સનો ઉપયોગ કર્યો હતો. તેમાં જનરેટિવ AI પણ શામેલ છે. દેશભરમાં કુલ 70,000 કરોડ રૂપિયાના વેચાણમાંથી, 13,317 કરોડ રૂપિયાનો ડેટા કાઢી નાખવામાં આવ્યો હતો.
ક્યાં થયો સૌથી વધુ ગોટાળો
આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં, 5,141 કરોડ રૂપિયાનું વેચાણ છુપાવવામાં આવ્યું હતું. બંને રાજ્યોમાં 40 રેસ્ટોરન્ટના નમૂનાની ભૌતિક અને ડિજિટલી તપાસ કરવામાં આવી હતી. તેમાંથી, લગભગ 400 કરોડ રૂપિયાનો ગોટાળો બહાર આવ્યો છે. મોટાભાગની ગડબડ તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થઈ હતી. કર્ણાટકમાં 2,000 કરોડ રૂપિયા, તેલંગાણામાં 1,500 કરોડ રૂપિયા અને તમિલનાડુમાં 1,200 કરોડ રૂપિયાના વેચાણ ડેટા કાઢી નાખવામાં આવ્યા હતા.
