2000 નવી આંગણવાડી, 3.15 લાખ નવા આવાસો, ઓલિમ્પિક રેડી સિટી, કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય સહિતની બજેટની 10 જાહેરાત જે ઉડીને આંખે વળગે
બજેટમાં ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં અભ્યાસ અને વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના માટે આ બજેટમાં ₹100 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. આ ઉપરાંત આદિજાતિ વિસ્તારના તમામ તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી ઊભી કરવાના આયોજનના ભાગરૂપે આ વર્ષે 15 તાલુકાઓમાં લાઇબ્રેરી સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હજુ પણ અનેક મહત્વની જાહેરાત કરવામાં આવી છે જે આંખે ઊડીને વળગે તેવી છે.
1) ગાંધીનગરમાં 100 કરોડની દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનશે.
2) ગુજરાતમાં 360 કરોડના ખર્ચે 2000 નવી આંગણવાડી બનશે.
3) ઝાલોદ, ગરબાડા સહિત 5 જગ્યાએ નવી GIDC બનશે.
4) ચાલુ વર્ષે 3.15 લાખ નવા આવાસો ઉભા કરવામાં આવશે.
5) 29 લાખથી વધુ નાના ઉદ્યોગો (MSME)ના પ્રોત્સાહન માટે ₹1775 કરોડની જોગવાઈ.
6) કોમનવેલ્થને લઈ અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનાવવા 1278 કરોડની ફાળવણી.
7) આ વર્ષે 3 લાખ 15 હજારથી વધુ આવાસો બનાવાશે.
8) કલોલ, સાણંદ, સાવલી, બારડોલી, હિરાસરને સેટેલાઇટ ટાઉન તરીકે વિકસાવાશે.
9) સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેકટ માટે વધુ ₹3000 કરોડની જોગવાઈ.
10) કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય આપવા ₹1535 કરોડની જોગવાઈ
સોમનાથને મળશે આંતરરાષ્ટ્રીય ઓળખ: ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવાશે
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના યાત્રાધામના વિકાસ માટે કરોડોની રકમની જોગવાઈ સૂચવી છે. જેમાં સોમનાથ અંબાજી સહિતના યાત્રાધામનો સમાવેશ થાય છે.
પોતાના પ્રવચનમાં કનુભાઈ દેસાઈએ કહ્યુ હતું કે, વડાપ્રધાને વન સ્ટેટ-વન ગ્લોબલ ડેસ્ટીનેશનનું વિઝન રજુ કર્યું છે ત્યારે તેને સાકાર કરવા માટે રાજ્ય સરકાર સોમનાથને ગ્લોબલ ડેસ્ટીનેશન તરીકે વિકસાવશે.
આ ઉપરાંત રાજ્યની પરંપરા, મહેમાનગતિ અને ઐતિહાસિક ભવ્યતા સાથે વેડ ઇન ગુજરાતના પ્રચાર દ્વારા ગુજરાતની વેડિંગ ડેસ્ટીનેશન તરીકે આગવી ઓળખ ઉભી કરવામાં આવશે.
