ગાંધીનગરમાં 1 અબજના ખર્ચે દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનશે: અભ્યાસ-વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ થશે
બજેટમાં ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં અભ્યાસ અને વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના માટે આ બજેટમાં ₹100 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. આ ઉપરાંત આદિજાતિ વિસ્તારના તમામ તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી ઊભી કરવાના આયોજનના ભાગરૂપે આ વર્ષે 15 તાલુકાઓમાં લાઇબ્રેરી સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી.
એક કેમ્પસ-અવિરત શિક્ષણ-મજબૂત ભવિષ્યના ધ્યેય સાથે બાલવાટિકાથી ધોરણ-10 સુધી વિદ્યાર્થીઓના અભ્યાસમાં તૂટ ન પડે તે માટે સંકલિત શાળાઓ બનાવવાની જાહેરાત થઈ હતી. જેનાથી શિક્ષણમાં ગુણવત્તા અને સ્થિરતા જળવાઇ રહેશે. તેના માટે ₹120 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા વિદ્યાર્થીઓનો વિજ્ઞાન પ્રવાહના પ્રવેશમાં રસ વધેલ છે. જેના કારણે છેલ્લાં બે વર્ષમાં કુલ પ્રવેશમાં 19% જેટલો વધારો થયેલ છે. જેના માટે ₹250કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. દિવ્યાંગજનને શાળામાં અભ્યાસ કરવામાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે હેતુથી પરિવહન વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાન્સપોર્ટ/એસ્કોર્ટ એલાઉન્સ આપવા તેમજ અન્ય સુવિધાઓ આપવામાં આવશે.
