સુપર-8ની તૈયારી પરખવા આજે નેધરલેન્ડ સામે ઉતરશે ભારત: અમદાવાદમાં સાંજે 7 વાગ્યાથી મેચઃ ટીમમાં થઇ શકે છે આ 3 ફેરફાર
ભારતીય ક્રિકેટ ટીમે ટી-20 વર્લ્ડકપ-2026ના સુપર-8માં જગ્યા બનાવી લીધી છે. પાકિસ્તાનને હરાવ્યા બાદ ભારતે સુપર-8ની ટિકિટ મેળવી હતી. ભારતનો 22 ફેબ્રુઆરીએ અમદાવાદમાં આફ્રિકા સામે સુપર-8માં મુકાબલો થવાનો છે તે પહેલાં તૈયારીઓની પરખ કરવા આજે બુધવારે અમદાવાદમાં જ નેધરલેન્ડસ સામે મેચ રમવા ઉતરશે. આ સાથે જ ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઈલેવનમાં પણ ફેરફાર થઈ શકે છે. આ મેચ સાંજે 7 વાગ્યાથી શરૂ થશે.
ટીમ પોતાના અન્ય ખેલાડીઓની પરીક્ષા લઈ શકે છે. નેધરલેન્ડસ વિરુદ્ધ ઈશાન કિશનને આરામ આપી તેની જગ્યાએ સંજૂ સેમસનને તક મળી શકે છે. આ ઉપરાંત બુમરાહને આરામ આપી સિરાજને તો કુલદીપને પડતો મુકી અર્શદીપસિંહને લેવામાં આવી શકે છે. આઈસીસી ટી-20 વર્લ્ડકપ લાંબી ટૂર્નામેન્ટ છે એટલા માટે ભારતીય ટીમ નેધરલેન્ડસ વિરુદ્ધ મેચમાં પોતાના ખેલાડીઓને આરામ આપી ટીમમાં ફેરફાર કરી શકે છે.
આજે અભિષેક શર્મા અને સંજૂ સેમસન ઓપનિંગ કરી શકે છે ત્યારબાદ તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શિવમ દૂબે, રિન્કુ સિંહ અને અક્ષર પટેલ આવશે. ફાસ્ટ બોલર તરીકે સિરાજ અને અર્શદીપ હશે જ્યારે સ્પિનરના રૂપમાં વરુણ ચક્રવર્તીને તક અપાઈ શકે છે.
પ્રયોગ કરવાનો યોગ્ય સમય
આગામી મેચ ભારત માટે કોઈ મોટો પડકાર નથી, કારણ કે ટીમ ઈન્ડિયા પહેલાથી જ સુપર 8 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. જોકે, વાસ્તવિક પડકાર સુપર 8માં જ રહેશે, જ્યાં ભારત વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અથવા ઝિમ્બાબ્વે જેવી મજબૂત ટીમોનો સામનો કરી શકે છે.
ભારતની T20 વર્લ્ડ કપ 2026ની ટીમ
ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંઘ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ.
