ભારત-ફ્રાંસ વચ્ચે 21 મહત્ત્વના કરાર: બન્ને દેશો એવરેસ્ટની ઊંચાઇ સુધી ઊડે તેવા હેલિકોપ્ટર બનાવશે,આતંકવાદની નાબૂદીનો સહિયારો સંકલ્પ
ભારતની યાત્રા પર આવેલા ફ્રાંસના પ્રમુખ મેક્રોન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુંબઇના લોકભવન ખાતે સફળ વાટાઘાટ થઇ હતી. જેમાં બન્ને દેશોએ રણનીતિક ભાગીદારીને વધુ ઉંચાઇ આપવાનો અને અનેક ક્ષેત્રોમાં સહકાર વધારવાનો નિર્ણય લીધો હતો. બન્ને નેતાઓએ મળીને ટાટા એરબસની એચ-૧૨૫ હેલિકોપ્ટર એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું.
ભારત અને ફ્રાંસ વચ્ચે 20 જેટલા કરાર થયા હતા અને લોકભવનમાં બન્ને દેશો વચ્ચે વાટાઘાટ બાદ વડાપ્રધાન મોદી અને ફ્રાંસના નેતા મેક્રોને સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી. આ તકે વડાપ્રધાન મોદીએ એવી જાહેરાત કરી હતી કે ભારત અને ફ્રાંસ મળીને ભારતમાં એવા હેલિકોપ્ટરનું નિર્માણ કરશે જે માઉન્ટ એવરેસ્ટ જેવી ઉંચાઇઓ સુધી ઊડાન ભરશે.
વડાપ્રધાને ફ્રાંસને ભારતના સ્પેશિયલ પાર્ટનર તરીકે બતાવીને કહ્યું કે, અમે બન્ને દેશ અમારા સંબંધોને સ્પેશિયલ ગ્લોબલ સ્ટે્રટેજિક પાર્ટનરશિપના લેવલ સુધી અપગ્રેડ કરવા સંમત થયા છીએ. તેનો અર્થ એ છે કે બન્ને દેશો માત્ર વેપાર અને હથિયારોની ખરીદ-વેંચાણ સુધી જ સીમિત રહેશે નહીં બલ્કે સુરક્ષા, ટેક્નોલોજી, અવકાશ, સમુદ્રી વિસ્તારોની સુરક્ષા અને મોટા વૈશ્વિક મુદ્દા પર સાથે મળીને કામ કરશે.
વડાપ્રધાન મોદીએ પત્રકાર પરિષદને સંબોધન દરમિયાન એમ પણ કહ્યું હતું કે ભારત અને ફ્રાંસ વચ્ચેના વિશેષ સંબંધોનો એક નવો અધ્યાય શરૂ થયો છે અને ફ્રાંસ સાથે એફટીએ થયું છે. મેક્રોન દિલ્હીમાં ચાલી રહેલી એઆઇ ઇમ્પેક્ટ સમિટમાં ૧૯ તારીખે એટલે કે ગુરુવારે હાજરી આપશે અને સંબોધન પણ કરવાના છે.
મેક્રોને કહ્યું, અમને ભારત પર પૂરો ભરોસો
સંયુક્ત પત્રકાર પરિષદમાં ફ્રાંસના પ્રમુખ મેક્રોને કહ્યું હતું કે અમને ભારત પર પૂરો ભરોસો છે અને એટલા માટે જ અમે ટેક્નોલોજી શેર કરીએ છીએ. એમણે કહ્યું કે બન્ને દેશો અનેક ક્ષેત્રોમાં આગળ વધવાના છે. હાઇ સ્પીડ રેલ નેટવર્ક, એઆઇ, સોલાર અને અંતરિક્ષ જેવા ક્ષેત્રોમાં સંબંધો અને સહકાર વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે. ભારતમાં મારા સ્વાગત બદલ આભાર માનું છું.
મેક્રોન ગુરુવારે એઆઇ સમિટમાં સંબોધન કરશે
ભારતની યાત્રા પર આવેલા ફ્રાંસના પ્રમુખ મેક્રોને ભારત સાથે અનેક સમજૂતી કર્યા બાદ ટેક્નોલોજીના ક્ષેત્રમાં આગળ વધવાના સંકલ્પ સાથે દિલ્હીમાં ચાલી રહેલી એઆઇ ઇમ્પેક્ટ સમિટમાં હાજરી આપશે અને સંબોધન કરવાના છે. ત્યારબાદ વડાપ્રધાન મોદી પણ આ તકે સમિટને સંબોધન કરશે.
