એ અમારો પ્રાણ હતો…છતીસગઢમાં પુત્રના મૃત્યુના આઘાતમાં માતા પિતાનો સજોડે આપઘાત, સુસાઇડ નોટના એક એક શબ્દમાં આઘાત,અફસોસ, વ્યથા
છતીસગઢના નાનકડા ધરદેઇ ગામમા સજોડે ગળાફાંસો ખાઈને આપઘાત કરનાર દંપતીએ અંતિમ ક્ષણે લખેલી સુસાઇડ નોટમાં આ વલોપાત અને આ કરુણા છલકતી હતી. વ્હાલસોયા પુત્રની કારમી વિદાય પછી ઉજ્જડ અને વેરાન બની ગયેલી જિંદગીની વ્યથા દર્શાવતી આ ઘટનાએ અનેક લોકોને રડાવી દીધા હતા.
ધરદેઇ ગામમાં સોમવારની સવારે એક અકળાવનારી શાંતિ હતી.એવી શાંતિ, જે કોઈ દુઃખદ સમાચાર પહેલાં ગામને ઘેરી લે છે. પોતાના સામાન્ય કાચા મકાનના આંગણે આવેલા લીમડાના ઝાડ નીચે 48 વર્ષીય કૃષ્ણ પટેલ અને તેમની પત્ની 47 વર્ષીય રમાબાઈનો લટકતો મૃતદેહ જોવા મળતા ગામમાં શોકની લહેર ફરી વળી. દંપતીના 21 વર્ષના એકમાત્ર પુત્ર આદિત્ય પટેલનું વર્ષ 2024માં માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. મજૂરી કરીને પરિવાર ચલાવતાં કૃષ્ણ પટેલ માટે આદિત્ય માત્ર પુત્ર નહોતો-તે જ તેમની દુનિયા, આધાર અને આશા હતો.
ગામલોકોના જણાવ્યા મુજબ અકસ્માત પછી ઘરમાંથી હાસ્ય ગાયબ થઈ ગયું હતું. જે સ્થળે આદિત્ય મિત્રો સાથે બેઠો રહેતો તે આંગણું ખાલી રહેતું, અને માતા-પિતા બહુ ઓછું બોલતા.સવારે પડોશીઓને શંકા જતા પોલીસને જાણ કરાઈ હતી. ગામલોકો લાંબા સમય સુધી ઘટનાસ્થળે ઉભા રહ્યા અને ઘણા લોકો ધ્રુસ્કે ધ્રુસકે રડી પડ્યા.ગામના વડીલોએ જણાવ્યું કે પુત્રના મૃત્યુ પછી દંપતી કોઈ સામાજિક પ્રસંગમાં જતાં નહોતાં. વાતચીત ટાળી દેતા અને વારંવાર આદિત્યને યાદ કરતાં.એમની જિંદગી સુની સુની થઈ ગઈ હતી.બન્ને જીવતા તો હતા, પણ જાણે કે લાશની માફક.
સુસાઇડ નોટના એક એક
શબ્દમાં આઘાત,અફસોસ, વ્યથા
ઘટના સ્થળેથી મળેલી ચાર પાનાની સુસાઇડ નોટમાં કૃષ્ણ પટેલે પોતાના પુત્ર વિશે લખ્યું –
“આદિત્ય અમારા પ્રાણ હતો, અમારું આખું જગત હતો. ભગવાને આપેલી ભેટ હતો. પુત્ર નહીં, પણ મિત્ર હતો. અમારો જ ખ્યાલ રાખતો.”
તેમણે અકસ્માતના દિવસે થયેલી વાત પણ લખી. આદિત્ય મંદિરના યજ્ઞ કાર્યમાં મદદ કરવા જતો હતો, પરંતુ થોડો ખચકાટ અનુભવતો હતો.
“મેં કહ્યું-ભગવાનનું કામ છે, જા. એ મારા જીવનની સૌથી મોટી ભૂલ બની.”
આ પછીના શબ્દોમાં અફસોસ સ્પષ્ટ દેખાયો –
“એ અમને સદાય માટે છોડીને ગયો. અમે જીવતા તો હતા, પણ હું જીવતો ન હતો.”
પુત્રના મૃત્યુ પછી ઘરમાં ઘેરાયેલા સન્નાટાનું વર્ણન કરતાં તેમણે લખ્યું –
“એક વર્ષથી દિલમાં અગ્નિ સળગી રહી છે. હાસ્ય ગાયબ છે. ઘર ખાલી છે. આ ખાલીપો અંદરથી ખાઈ રહ્યો છે.”
અંતિમ ભાગમાં આધ્યાત્મિક ભાવનાનો ઉલ્લેખ કરતાં તેમણે લખ્યું –
“લાંબા દુઃખ પછી મન હવે શાંત થયું છે. ભગવાન તરફ ખેંચાણ થાય છે. અમારી ગતિ ભગવાનમાં વિલીન થવાની છે. કોઈને દોષ આપશો નહીં. અમને ખુશીથી વિદાય આપજો.”
અને ફરી લખ્યું –
“અમારા માટે શોક ન કરશો. અમે પૂર્ણ શાંતિ અને ઇચ્છાવિહોણી સ્થિતિમાં આ દુનિયા છોડીએ છીએ.”
અંતિમ વિડિઓ સંદેશ
આત્મહત્યા પહેલાં દંપતીએ એક શાંત વિડિઓ સંદેશ રેકોર્ડ કર્યો હતો. તેમાં તેઓ પોતાના વકીલ સાથે સામાન્ય રીતે વાત કરતા દેખાય છે. તેઓએ વિનંતી કરી કે પુત્ર આદિત્યના અકસ્માત બાદ મળનાર વળતર રકમ તેમના મોટા ભાઈઓ કુલભરા પટેલ અને જલભરા પટેલને સોંપવામાં આવે.“ જો અમે જીવતા ન હોઈએ તો આદિત્યના ક્લેઇમના પૈસા અમારા મોટા ભાઈઓને મળી રહે-આ અમારી અંતિમ ઈચ્છા છે,” એમ તેમણે કહ્યું હતું. વિડિઓમાં બંને ખૂબ શાંત દેખાતા હતા. અંતે તેમણે કહ્યું-“કોઈને દોષ આપશો નહીં… ભગવાન પાસે જઈ રહ્યા છીએ.”
