જલારામ બાપાની 145મી પૂણ્યતિથિ નિમિત્તે રાજકોટથી ભાવિકોની પદયાત્રા વીરપુર પહોંચી
કહેવાય છે કે જેના હૈયામાં રામ હોય, એના પગમાં ક્યારેય થાક નથી હોતો’ અને આ ઉક્તિ રોજ રાજકોટ-ગોંડલ હાઈવે પર અક્ષરશઃ સાર્થક થતી જોવા મળી હતી. પૂજ્ય જલારામ બાપાની 145મી પુણ્યતિથિ નિમિત્તે રઘુવીર યુવા સેના દ્વારા આયોજિત 26મી ભવ્ય પદયાત્રામાં શનિવારે પીડીએમ કોલેજથી સાંજે 4ઃ00 કલાકે 1400થી વધુ પદયાત્રીઓએ જય જલારામ’ના ગગનભેદી નાદ સાથે વીરપુર ભણી પ્રસ્થાન કર્યું, ત્યારે સમગ્ર માહોલ જાણે વૈકુંઠધામમાં પરિવર્તિત થઈ ગયો હતો.
આ પદયાત્રામાં માત્ર સ્થાનિક ભક્તો જ નહીં, પણ સાત સમંદર પાર દુબઈ અને ઓસ્ટ્રેલિયાથી આવેલા શ્રદ્ધાળુઓએ સાબિત કર્યું કે, શ્રદ્ધાનો આ મહાસંગમ એટલે રાજકોટથી વીરપુર સુધી પથરાયેલી ભક્તિની એક અતૂટ સાંકળ.’ 55 કિલોમીટર લાંબા માર્ગ પર ભક્તિ અને સેવાનો એવો ત્રિવેણી સંગમ રચાયો હતો કે વાંચનારનું હૃદય ભરાઈ આવે. આ કળિયુગમાં જ્યાં માણસ માણસનો હાથ પકડતા ડરે છે, ત્યાં રઘુવીર યુવા સેનાના સેવાભાવી કાર્યકરો અજાણ્યા પદયાત્રીઓના પગ દબાવે છે અને તેમને પ્રેમથી જમાડે છે. આ એ જ ‘સદાવ્રત’ની પરંપરા છે જે વીરપુરના નાથ હજી પણ જીવંત રાખી રહ્યા છે. માર્ગમાં ઊભા કરાયેલા સેવા કેમ્પોમાં ગરમા ગરમ નાસ્તો, જુદા જુદા જ્યુસ, ફ્રૂટડીસ વગેરે આઈસ્ક્રીમની વ્યવસ્થા પદયાત્રીઓના ઉત્સાહમાં વધારો કરતી હતી. સૌથી નોંધપાત્ર સેવા મેડિકલ ટીમની રહી હતી. પદયાત્રીઓના પગમાં પડેલા ફોલ્લા પર જ્યારે ડોક્ટરોએ પ્રેમથી મલમ લગાવ્યો, ત્યારે ભક્તોને એમાં સાક્ષાત બાપાની સેવાનો અહેસાસ થયો હતો. ખરેખર,જ્યાં દવા સાથે દુઆ ભળે, ત્યાં પીડા પરમાત્માના પ્રસાદમાં બદલાઈ જાય છે.’
આ પણ વાંચો: જલારામ બાપાની 145મી પૂણ્યતિથિ નિમિત્તે રાજકોટથી ભાવિકોની પદયાત્રા વીરપુર પહોંચી
પગમાં ભલે થાક હોય, પણ હૈયામાં જ્યારેબાપા’નું નામ હોય ત્યારે 55 કિલોમીટરનો રસ્તો પણ નાનો લાગે છે’ તેવા વિશ્વાસ સાથે નીકળેલી આ યાત્રાને સફળ બનાવવા રઘુવીર યુવા સેનાના તમામ સભ્યોએ રાત-દિવસ જોયા વગર જહેમત ઉઠાવી હતી તેવું હાર્દિક ચંદારાણાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
