હર્ષ સંઘવી દાવોસની વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વિકસિત ગુજરાતનો રોડમેપ રજૂ કરશે: ઉદ્યોગપતિઓ-નેતાઓ સાથે હાઈ-લેવલ બેઠકો યોજાશે
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ 2026 માં ભાગ લેવા ગયું છે. ગુજરાતને વૈશ્વિક વિકાસના નકશા પર અગ્રેસર રાખવા અને ” વિકસિત ગુજરાત 2047″ ના સંકલ્પને વૈશ્વિક મંચ પર લઈ જવા માટે આ ફોરમમાં રાજ્ય સરકારનું પ્રતિનિધિમંડળ ભાગ લઇ રહ્યું છે.
દાવોસમાં તા. 19 થી 23 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ મહત્વપૂર્ણ વાર્ષિક બેઠકમાં ગુજરાતની સહભાગીતા, આંતરરાષ્ટ્રીય સહયોગ અને ઝડપી આર્થિક વિકાસ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.આ પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિવિધ બેઠકોમાં ભાગ લેશે. ગુજરાતમાં રોજગારી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે તેઓ એડવાન્સ્ડ મેન્યુફેક્ચિંરગ, ટેક્સટાઈલ, સેમિક્નડક્ટર, ફાર્માસ્યુટિકલ્સ, રિન્યુએબલ એનર્જી, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ્સ, શિપિંગ-લોજિસ્ટિક્સ અને એરોસ્પેસ જેવા મહત્વના ક્ષેત્રોમાં રોકાણ આકર્ષવા માટે વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ અને નેતાઓ સાથે 58 જેટલી હાઈ-લેવલ “વન-ટુ-વન” બેઠકો યોજશે.
આ પણ વાંચો :પોલીસનો RMCને જવાબ, અમારા પાસે હાલ પૈસા નથી, આવતાં વર્ષે વેરો ભરશુ! મહાપાલિકા સરકારી તંત્ર સામે ચૂપ
રાજ્ય સરકારનો મુખ્ય હેતુ ગુજરાતની ઔદ્યોગિક ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો અને રાજ્યના યુવાનો માટે મોટા પાયે નવી રોજગારીની તકો ઉભી કરવાનો છે. રાજ્ય સરકારનું પ્રતિનિધિમંડળ આ મુલાકાત દરમિયાન વિશ્વની નામાંકિત કંપનીઓના વડાઓ સાથે રૂબરૂ ચર્ચા કરશે. આ બેઠકો દ્વારા ગુજરાતમાં નવી ટેકનોલોજી લાવવા, ઇનોવેશનને પ્રોત્સાહન આપવા અને લાંબા ગાળાના આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ગુજરાત સરકારનો પ્રયાસ છે કે ગ્લોબલ વેલ્યુ ચેઈનમાં ગુજરાત એક મહત્વના ભાગીદાર તરીકે ઉભરી આવે. આ ફોરમમાં રોકાણ આકર્ષવા ઉપરાંત, વૈશ્વિક નીતિવિષયક ચર્ચાઓમાં પણ ગુજરાતનો અવાજ બુલંદ રહેશે.
હર્ષ સંઘવી વિવિધ પ્રતિષ્ઠિત સત્રોમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહીને ગુજરાતનું વિઝન રજૂ કરશે. તેઓ “નવી ભૌગોલિક-આર્થિક વ્યવસ્થામાં ભારત” ,સ્પોર્ટ્સની શક્તિઃ ભવ્યતાથી વારસા તરફ, “કોલ ટુ ક્લીન ઇનિશિયેટિવ” અંતર્ગત એનર્જી ટ્રાન્ઝિશન, “મિશન વોટર” દ્વારા જળ સુરક્ષા અને “સસ્ટેનેબિલિટી” જેવા વિષયો પર ગુજરાતના સફળ વિકાસ મોડલની વાત દુનિયા સમક્ષ મૂકશે. આ સત્રો દ્વારા ગુજરાત પોતાની વિકાસગાથાને વૈશ્વિક ફલક પર ઉજાગર કરશે.
