રાજકોટ કોંગ્રેસનું જમ્બો માળખું: 9 ઉપપ્રમુખ, 21 મહામંત્રી, જૂથવાદ ન દેખાય એટલે બધાને સમાવવાનો પ્રયાસ
રાજકોટ શહેર કોંગ્રેસ નું પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મંજૂર કરાયેલું જમ્બો માળખું જાહેર કરાયું છે. 9 ઉપપ્રમુખ સાથે 21 મહામંત્રી અને 35 મંત્રી બનાવાયા છે. માળખા પરથી સરવાળે ન મારા, ન તારા બધા જૂથનાને સમાવવા માટે 68 હોદ્દેદારોની ટીમ બનાવાઈ છે.
કોંગ્રેસ રાજકીય પક્ષે, પ્રજા વચ્ચે દિન-પ્રતિદિન ઘસાતી જાય છે. આમ છતાં આંતરિક વિખવાદ કે જૂથબંધી હજુ જાણે ભૂલાતી ન હોય તેવો રાજકોટમાં પણ માહોલ છે. જો કે પ્રમુખ તરીકે ડો.રાજદીપસિંહ જાડેજા આવ્યા બાદ હવે બધા જૂથના માથાઓ કાર્યક્રમોમાં સાથે દેખાઈ રહ્યા છે અથવા તો પ્રદેશમાંથી નવા પ્રમુખ અમિત ચાવડાનો જૂથબંધી સામે સ્પષ્ટ સંદેશો હશે. શહેર-જિલ્લાના નવનિયુક્ત પ્રમુખો દ્વારા સ્થાનિક સંગઠન માળખા જાહેર કરવામાં રાજકોટ શહેર કોંગ્રેસ નું માળખું પણ પ્રદેશ પ્રમુખ ચાવડાની સૂચના સાથે જાહેર થયું છે.
આ પણ વાંચો :બોર્ડ પહેલા પ્રિ-બોર્ડ પરીક્ષા: રાજકોટની 650 જેટલી સ્કૂલોમાં 22મી સુધી પરીક્ષા લેવાશે, વિદ્યાર્થીઓનો ડર દૂર થશે
નવા માળખામાં ઉપપ્રમુખ તરીકે નીતિન ભંડેરી, હાજી ઓડિયા, ડો.યજ્ઞેશ જોશી, નિલેશ મારૂ, વૈશાલી શિંદે, મુકુંદ ટાંક, તેજશ ટોપિયા, માવજી રાખલિયા, રવિ જીતીયા, 21 મહામંત્રીઓમાં રસિક ભટ્ટ, દિલીપ આસવાણી, પ્રફુલાબેન ચૌહાણ, હસમુખ ગોસ્વામી, પ્રવિણ કાકડિયા, રણજીત મુંધવા, ઠાકરશી ગજેરા, હબીબ કટારિયા, મેહુલ પટેલ, ગૌરવ પૂજારા સહિતનો સમાવેશ કરાયો છે.35 મંત્રીઓમાં ડો.ભરત કોયાણી, એડવોકેટ પ્રણવ પટેલ, રચનાબેન જોશી, સંજનાબેન ગોહેલ, લીનાબેન સોની, કેતન ભટ્ટ, મયુર શાહ, પૂજાબેન વેકરિયા સહિતને નિમણૂક અપાઈ છે. કાર્યાલયમંત્રીની જવાબદારી જયદીપ મયાત્રાને મળી છે. હોદ્દેદારોની ટીમ સાથે પ્રમુખ ડો.જાડેજા આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકોટમાં કોંગ્રેસ ને કેવી ગતિ અપાવે તે નવી ટીમ પર મદાર રહેશે.
