ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની તારીખ જાહેર: આ તારીખે બજેટ રજૂ થશે, 23 દિવસ સુધી થશે કામકાજ, મહત્વના બીલ રજૂ થશે
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી 16 ફેબ્રુઆરીથી શરુ થશે અને 25 માર્ચ સુધી ચાલશે. પ્રથમ દિવસે રાજ્યપાલ ગૃહને સંબોધન કરશે અને સંભવત બીજા દિવસે એટલે કે તા. 17ના રોજ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યનું બજેટ રજૂ કરશે.
સુત્રોના જણાવ્યા અનુસાર, ગત વર્ષના બજેટ કરતા આ વખતનું બજેટ મોટા કદનું હશે. મોટાભાગે 15 ટકાના વધારા સાથે 3.90 લાખ કરોડનું બજેટ હોવાની સંભાવના છે. હાલમાં નાણા વિભાગ દ્વારા બજેટ તૈયાર કરવાનો ધમધમાટ ચાલી રહ્યો છે.
બજેટ સત્ર કુલ 23 દિવસ સુધી ચાલશે, જેમાં વિવિધ કાયદાકીય કામકાજ અને નાણાંકીય ચર્ચાઓ માટે 26 બેઠક યોજાશે. જેમાં સરકારના આગામી વર્ષના વિઝન અને સિદ્ધિઓની રૂપરેખા રજૂ કરવામાં આવશે. ત્યારબાદ નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2026-27 માટેનું રાજ્યનું અંદાજપત્ર રજૂ કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બજેટમાં મધ્યમ વર્ગ, ખેડૂતો અને યુવાઓ માટે મોટી જાહેરાતો થઈ શકે છે. ખાસ કરીને ‘વિકસિત ગુજરાત @2047’ ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને માળખાગત સુવિધાઓ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જંગી ફાળવણી કરવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત, આ સત્ર દરમિયાન સરકાર કેટલાક મહત્વના વિધેયકોપણ રજૂ કરી શકે છે, જેમાં સમાન નાગરિક સંહિતા ને લગતા મહત્વપૂર્ણ પગલાંની પણ અટકળો તેજ બની છે.
આ સત્ર દરમિયાન વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી પણ યોજાશે. આ પદ જેઠાભાઈ ભરવાડના રાજીનામાને કારણે ખાલી પડ્યું છે.
