મેં કહેલું હતું કે રાજકોટ-જામનગર-મોરબીનો ત્રિકોણ મિનિ જાપાન બનશે જે સાકાર થયું: PM મોદી, 7 જિલ્લામાં 13 નવી GIDC બનાવવાની જાહેરાત
રાજકોટમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજિયન સમિટનું ઉદ્ઘાટન કર્યા બાદ કાર્યક્રમને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે અહીં બેઠેલા સૌરાષ્ટ્રના દરેક પત્રકારોને યાદ હશે, મેં અગાઉ કહ્યું હતું કે રાજકોટ-જામનગર-મોરબીનો ત્રિકોણ મિનિ જાપાન બનશે ત્યારે મારી મજાક ઉડાવાયેલી. હવે આંખ સામે હકિકત જોઈ રહ્યો છું. આ વાત હવે સાકાર થઈ રહેલી દેખાઈ રહી છે. આ ત્રણેય શહેરો અત્યારે અલગ-અલગ ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી રહ્યા છે જે રોકાણકારોને અહીં રોકાણ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે સાથે સાથે ભરોસો પણ અપાવી રહ્યા છે.
આ વેળાએ મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, કચ્છ અને અમરેલી સહિત સાત જિલ્લામાં 3540 એકર જગ્યામાં 13 નવી જીઆઈડીસી બનાવવાની જાહેરાત કરાતાં જ ઉદ્યોગપતિઓએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી.
વડાપ્રધાને સંબોધન આગળ વધારતાં જણાવ્યું કે કોઈ પણ પડકાર આવી પડે પછી તે ભૂકંપ હોય કે દુષ્કાળ હોય સૌરાષ્ટ્ર-કચ્છ હાર માનવાનું શીખ્યું જ નથી. અહીંના લોકો મહેનતને વળગી રહેવામાં માને છે એટલા માટે જ આજે સફળ થયા છે. સૌરાષ્ટ્રમાં પાણીની જે કટોકટી હતી તેને જોતાં ક્યારેય આ સ્થિતિ સુધરશે નહીં તેવું લાગતું હતું પરંતુ અથાક મહેનતથી આ સ્થિતિ પણ બદલાઈ ચૂકી છે. આજે જામનગર અને કચ્છમાં ગ્રીન હાઈડ્રોજન પ્રોડક્શનના મોટા કેન્દ્ર બની રહ્યા છે, કચ્છમાં બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ થઈ રહી છે તો રાજકોટમાં રોકેટ અને પ્લેનના પાર્ટ બની રહ્યા છે. આ ત્રણેય શહેરો આત્મનિર્ભર ભારતના મોટા સેન્ટર છે અને રોકાણકારોને પણ ભરોસો અપાવી રહ્યા છે. જ્યારે ભારત છેલ્લા 11 વર્ષમાં દુનિયાનો સૌથી મોટો ડેટા ક્નઝ્યુમર દેશ બન્યો છે.
દેશનું યુપીઆઈ દુનિયાનું નંબર વન રિયલ ટાઈમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ બન્યું છે. એક સમય હતો જ્યારે દસમાંથી નવ મોબાઈલ બહારથી મંગાવવા પડતાહતા પરંતુ આજે ભારત વિશ્વનું બીજા નંબરનો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક દેશ બન્યો છે. સોલાર થકી વીજળી ઉત્પન્ન કરવામાં તેમજ એવિએશન ક્ષેત્રમાં ભારત આજે ત્રીજા ક્રમે છે.
